દરેક જગ્યાએ સરકાર વિરોધી બેનર લાગ્યા: આવનારા દિવસોમાં રેલી
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળમાં નવા રબારીવાળા ખાતે રબારી સમાજનાં પ્રમુખ નાજાભાઈ ચોપડાના અધ્યક્ષ સ્થાને એક પત્રકાર પરિષદનુ આયોજન થયું હતું.આ તકે પ્રમુખ નાજાભાઇ ચોપડાએ જણાવ્યું હતું કે,રબારી, ભરવાડ અને ચારણ સહિત માલધારી સમાજને અનુસૂચિત જનજાતિનો દરજ્જો ગીર, બરડા અને આલેચના વસવાટના આધારે મળેલ છે.કાળક્રમે સરકાર બદલતા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓએ વિરોધ કરતા અમોને આ દરજ્જાની મુક્ત કરવાની કવાયત ધરાઈ છે.જેથી અમારી માંગ એ છે કે,1956 પહેલાની સ્થિતિ જેમનું મૂળ વતન ગીર, બરડા અને આલેચ હોઈ તેમને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવામાં આવે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અગાઉ અમારા ધર્મગુરુઓ દ્વારા પણ સરકારને રજૂઆતો કરવામાં આવી હતી.ઉપરાંત હાલમાં દરેક જગ્યાઓએ જ્યાં માલધારી સમાજનો વસવાટ છે,ત્યાં સરકાર વિરોધી બેનર પણ લગાવવામાં આવ્યા છે અને આવનારા દિવસોમાં દ્વારકાથી કોડીનાર રેલીનુ પણ આયોજન કરવામાં આવશે.ભવિષ્યમાં જો સરકાર આ બાબતે યોગ્ય પગલાં નહીં લે તો માલધારી સમાજ ભાજપના વિરોધમાં મતદાન કરશે તેવી પણ ચીમકી માલધારી સમાજ દ્વારા આપવામાં આવી હતી.