ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.11
મોરબી જીલ્લામાં આવેલ શાળા અને કોલેજ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ આવેલ મેડીકલ સ્ટોરમાં પ્રિસ્ક્રીપ્શન વગર દવાઓ જેનો ઉપયોગ નશો કરવા થતો હોય તેનું વેચાણ કરાય છે કે કેમ તેની તપાસ મોરબી જીલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
મોરબી જીલ્લા પોલીસની ટીમોએ શૈક્ષણિક સંસ્થાઓ પાસે આવેલ તેમજ શંકાસ્પદ મેડીકલ સ્ટોરમાં પ્રિસ્ક્રીપ્શન વગર ન વેચી સકાય તેવી દવાઓ કે જેનો ઉપયોગ નશો કરવા થતો હોય તે બાબતે મેડીકલ સ્ટોરમાં ચેકીન અને રેડ કામગીરી કરી હતી જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન ઉપરાંત એલસીબી અને એસઓજી ટીમ પણ તપાસમાં જોડાઈ હતી કુલ 22 ટીમો બનાવી મોરબી શહેર, વાંકાનેર, હળવદ, ટંકારા અને મલૈયા તેમજ મોરબી અને વાંકાનેર તાલુકા વિસ્તારના કુલ 61 મેડીકલ સ્ટોરમાં તપાસ કરવામાં આવી હતી.
વિવિધ મેડીકલ સ્ટોરમાં પોલીસ ટીમોએ સરપ્રાઈઝ ચેકિંગ કરી મેડીકલ સ્ટોરના વેચાણ રજીસ્ટર, સ્ટોક રજીસ્ટર તેમજ પ્રિસ્ક્રીપ્શન વગર ન વેચી સકાય તેવી દવા બાબતે ચેકિંગ હાથ ધર્યું હતું તેમ પોલીસની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.