ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે સફળ કાર્યક્રમ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
ફિટ મીડિયા – ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત પત્રકારો માટે આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન પોરબંદર ખાતે જિલ્લા પંચાયત હોલમાં કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. જિલ્લાના વિવિધ પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયા સંસ્થાઓમાં કાર્યરત પત્રકાર મિત્રો આ કેમ્પમાં સહભાગી બન્યા હતા. રેડ ક્રોસ હેલ્થ ટીમ દ્વારા બ્લડ ટેસ્ટ, ઈસીજી, એક્સ-રે સહિતની વિવિધ હેલ્થ સ્ક્રીનિંગ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. પત્રકાર પ્રતિશભાઈ શીલુએ જણાવ્યું હતું કે, પત્રકારો સતત મેદાનમાં કાર્યરત રહે છે. તેમના આરોગ્ય માટે આ પ્રકારના કેમ્પનું આયોજન કરવું અત્યંત જરૂરી અને પ્રશંસનીય છે.
- Advertisement -
પત્રકાર ઋષિભાઈ થાનકીએ પણ આ પહેલ બદલ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, માહિતી વિભાગ અને રેડ ક્રોસનો આ પ્રયાસ પત્રકારોને સ્વાસ્થ્ય જાગૃતિ તરફ પ્રેરિત કરે છે. રેડ ક્રોસ સોસાયટી, પોરબંદર બ્રાન્ચની ઉપાધ્યક્ષ શાંતિબેન ઓડેદરાએ જણાવ્યું હતું કે, પત્રકાર મિત્રો નાગરિકો માટે સતત સેવા આપે છે, પરંતુ તેમની આરોગ્ય ચકાસણી માટે સમય મળતો નથી. આવા કેમ્પો દ્વારા તેઓ પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે છે. તેમણે કેમ્પમાં સહભાગી બનેલા તમામ પત્રકાર મિત્રો તથા સહયોગી ટીમનો આભાર માન્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગત વર્ષથી રાજ્યના દરેક જિલ્લામાં પત્રકારો માટે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ પહેલને આગળ વધારતા આ વર્ષે પણ પોરબંદર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમને સફળ બનાવવા પોરબંદર રેડ ક્રોસ સોસાયટીના અધ્યક્ષ રામદેવભાઇ મોઢવાડીયા, સચિવ અકબરભાઈ સોરઠીયા, ઉપાધ્યક્ષ શાંતિબેન ઓડેદરા, ખજાનચી ચંદ્રેશભાઈ કિશોર, પીઆરઓ જગદીશભાઈ થાનકી, સભ્યો રામભાઈ ઓડેદરા, રાજુભાઈ ગોઢાણીયા, ચંદ્રિકાબેન તન્ના, અટારાભાઈ તથા માહિતી વિભાગની ટીમ દ્વારા ઉત્કૃષ્ટ સંકલન કરવામાં આવ્યું હતું.



