સમાચાર હોય કે ક્રિકેટ…દરેક પીચ ઉપર અમે ‘અવ્વલ’
કલમ-કી-બોર્ડની સાથે બેટ-બોલ ઉપર હાથ અજમાવતાં મીડિયાકર્મીઓ
કલેક્ટર અરુણ મહેશ બાબુ, મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન : બે મહિના સુધી પત્રકારો, ફોટોગ્રાફરો, કેમેરામેનો ઉપરાંત પ્રેસ-ઈલે.મીડિયાના વિવિધ વિભાગોના કર્મીઓ સમાચારોની સાથે સાથે રન માટે પણ લગાવશે દોડ
ટીમ સંદેશે ટીમ ગુજરાત મિરરને, ટીમ દિવ્ય ભાસ્કરે ટીમ ફૂલછાબ સામે જીત મેળવી કર્યો વિજયી પ્રારંભ
બન્ને મેચ બન્યા રોમાંચક: ભર તડકામાં પણ એક-એક રન માટે મીડિયાકર્મીઓએ કરી મહેનત-મશ્ક્કત
શનિવારે રમાનારી મેચ: કાઠિયાવાડ પોસ્ટ V/S સંદેશ- સવારે 8 વાગ્યે
રવિવારે રમાનારી મેચ: અબતક V/S હેડલાઈન- સવારે 8 વાગ્યે
ઈલે.મીડિયા V/S સાંજ સમાચાર સવારે 11 વાગ્યે
ફૂલછાબ V/S આજકાલ- બપોરે 2 વાગ્યે
ક્રિકેટ…આ એક શબ્દ એવો છે જેને સાંભળીને નાના બાળકથી માંડી મોટી ઉંમરના વૃદ્ધ પણ રોમાંચક ગણાતી આ રમત રમવા માટે આતૂર બની જાય છે. લગભગ દરેક ક્ષેત્રમાં ફરજ બજાવતાં લોકો કોઈને કોઈ ટૂર્નામેન્ટ થકી ક્રિકેટ રમવાની પોતાની ‘તલબ’ને પૂરી કરતાં જ હોય છે ત્યારે રાત-દિવસ સમાચારોની પાછળ ભાગતાં રહેતાં મીડિયાકર્મીઓ આ રમતમાં ભાગ ન લ્યે તેવું બની શકે ખરું ? કલમ અને કી-બોર્ડના કસબીઓ તેમજ પ્રેસ-ઈલેક્ટ્રોનિક મીડિયાના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતાં પત્રકારો તેમજ કર્મચારીઓમાં રહેલા ક્રિકેટના કૌશલને બહાર લાવવા માટે ‘રાજકોટ મીડિયા ક્લબ’ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાના એવા રેસકોર્સમાં આવેલા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ટી-20 સિઝન ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ગુજરાત મીરરના તંત્રી સંજયભાઈ સેંજલીયા સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન થયા બાદ ટૂર્નામેન્ટનો પ્રથમ મુકાબલો ટીમ સંદેશ અને ટીમ ગુજરાત મીરર વચ્ચે રમાયો હતો જે અત્યંત રોમાંચક બની ગયો હતો પરંતુ છેલ્લે ટીમ સંદેશે સાત રને બાજી મારી લઈ જીત હાંસલ કરી હતી. આ મેચ પર નજર કરીએ તો તેમાં ટોસ જીતી ટીમ ગુજરાત મીરરે ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું. જવાબમાં સંદેશે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 165 રન બનાવ્યા હતા. ટીમ સંદેશ વતી મુન્નાભાઈએ 31, માધવે 14, જીજ્ઞેશે 37, રાજે 21, મંથને 18 અને ધ્રુવે અણનમ 13 રનનું યોગદાન આપ્યું હતું.
- Advertisement -
ટીમ સંદેશે આપેલા 166 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ગુજરાત મીરરની શરૂઆત ખરાબ રહેવા પામી હતી અને તેના પાંચ બેટરો સસ્તામાં આઉટ થઈ ગયા હતા. જો કે વિનય બારોટે એક છેડો સાચવી રાખી મેદાનની ચારે બાજુ શોટ ફટકારી ટીમને મેચમાં જીવંત રાખી હતી. જો કે વિનય 56 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે જ વિકેટ ગુમાવી બેસતાં તે ટીમ માટે ટર્નિંગ પોઈન્ટ બની હતી. વિનય ઉપરાંત બ્રિજે 19, નિર્મલ સિંઘે અણનમ 22 અને અજય પતરીયાએ અણનમ 25 રનનું યોગદાન આપ્યું હતું. છેલ્લી ઓવર સુધી પહોંચી ગયેલા આ મેચમાં ગુજરાત મીરર વતી અજય પતરીયાએ બે બોલમાં બે ચોગ્ગા ફટકારી દેતાં મેચનો રોમાંચ વધી ગયો હતો પરંતુ બાકીના ચાર બોલમાં નિર્ધારિત રન ન મળતાં ગુજરાત મીરર 158 રન જ બનાવી શક્યું હતું અને તેનો 7 રને પરાજય થયો હતો.
આ પછી બીજી મેચ ટીમ દિવ્ય ભાસ્કર અને ટીમ ફૂલછાબ વચ્ચે રમાઈ હતી જેમાં ફૂલછાબે પ્રથમ બેટિંગ કરતાં 19.5 ઓવરમાં 10 વિકેટે 114 રન બનાવ્યા હતા. ફૂલછાબ વતી રવીએ 13, કમલેશે 2, જયદીપે 7, રોબીને 48, હિતેશે 1, કેતને 13, સંદીપે ત્રણ, નીરવે 4, ચેતને 6 અને આનંદે અણનમ 8 રનનું યોગદાન આપ્યું હતું. ફૂલછાબે આપેલા 115 રનના લક્ષ્યાંકને દિવ્ય ભાસ્કરે 14.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. દિવ્ય ભાસ્કર વતી શિવાંકે 36, દિલીપે 6, દીપક દાસે 2, અર્જુનભાઈ ડાંગરે 31, અમિતે અણનમ પાંચ, રુપેશભાઈએ 4 અને મનિષે અણનમ 1 રનનું યોગદાન આપ્યું હતું.
આ બન્ને મેચમાં અમ્પાયર તરીકે પ્રદીપસિંહ જાડેજા તેમજ તેમના સાથી અમ્પાયરોએ શાનદાર અમ્પાયરિંગ કર્યું હતું તો કોમેન્ટેટર તરીકે મુકેશ પંડ્યા અને ઈન્દ્રેશ ગોકાણીએ હટ કે અંદાજમાં કોમેન્ટ્રી આપીને શમા બાંધ્યો હતો. જ્યારે મેચ દરમિયાન ટૂર્નામેન્ટ આયોજક કમિટીના તુષાર રાચ્છ, કિન્નર આચાર્ય, કુલદીપસિંહ રાઠોડ, ભીખુભાઈ, અનીરુદ્ધ નકુમ, કિરણભાઈ રાચ્છ સહિતના ખડેપગે રહ્યા હતા.