પહેલાંના સમયમાં નીચે બેસીને પલાંઠી મારીને જમવું કે પછી જમતી વખતે ઢીંચણિયાનો ઉપયોગ કરવો, જમતી વખતે ચોક્કસ ધાતુના વાસણોનો જ ઉપયોગ કરવો કે જે તમારી પાચન ક્રિયાને સુવ્યવસ્થિત રાખતા
ભારતીય જીવનશૈલીની અંદર સારા સ્વાસ્થ્યને સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવેલું છે. કહેવતોમાં પણ આપણે સાંભળીએ છીએ, ‘પહેલું સુખ તે જાતે નર્યા’ અને ‘જેના અન્ન ભેગા તેના મન ભેગા.’
વાસ્તુ લેખમાળાના આગલા અંકોમાં આપણે આરોગ્યપ્રદ ભોજન માટે અગ્નિ ખૂણાના રસોડાની વાત કરેલ હતી. ગયા સપ્તાહે સારી ઊંઘ માટે બેડરૂમ અને પલંગની દિશા વિશે ચર્ચા કરી હતી. આજે આપણે સારા આહારને આરોગવામાં સહાયરૂપ ડાઈનીંગ રૂમ કે ડાઈનિંગ એરિયા વિશે વાત કરીશું.
આપણી હાલની જીવનશૈલીમાં ઊંઘ જેવી જ બીજી મોટી સમસ્યા પાચનને લગતી જોવા મળતી હોય છે. પહેલાંના સમયમાં નીચે બેસીને પલાંઠી મારીને જમવું કે પછી જમતી વખતે ઢીંચણીયાનો ઉપયોગ કરવો, જમતી વખતે ચોક્કસ ધાતુના વાસણોનો જ ઉપયોગ કરવો કે જે તમારી પાચન ક્રિયાને સુવ્યવસ્થિત રાખતા જે બધું ખૂબ જ સહજ હતું પરંતુ સમય જતાં હવે આજની જીવનશૈલીમાં આ બધું જોવા મળતું નથી. પ્રાચીન સમયમાં તો જમીન પર નીચે બેસીને કે પછી પંગતમાં જમવાની પરંપરા હતી. ભોજનમાં પીરસાતા વાસણોની ધાતુ પણ આરોગ્ય માટે સહાયરૂપ થઈ ભોજનની ગુણવત્તા અનેકગણી વધારે તે પ્રકારની વાપરવામાં આવતી.
આપને જાણીને આશ્ર્ચર્ય થશે કે જમવાના વાસણોના આકાર કે તેના માપ કેટલા રાખવા તે વિશે પણ વાસ્તુના પ્રાચીન ગ્રંથોમાં તેની ગણતરીઓ આપવામાં આવેલી છે. ભારતીય સંસ્કૃતિમાં ભોજન પહેલાં પ્રાર્થના કરી પરમાત્મા પ્રત્યે આભાર વ્યક્ત કરવાના સંસ્કારો નાનપણથી શાળામાં ભણાવવામાં આવે છે.
આજના સમયમાં યુવાવસ્થા વટાવ્યા બાદ મોટાભાગના લોકો જમીન પર પલાંઠી મારીને બેસી શકતાં નથી. એક તો તે આદત પણ છૂટી ગઈ છે અને સ્ત્રીઓમાં ઘુંટણના દુ:ખાવા પણ ખૂબ સામાન્ય થઈ ગયા છે, તેથી ડાઈનીંગ ટેબલ પર ભોજન કરવું એ અનિવાર્ય બની ચૂક્યું છે. જ્યારે ઘરોની અંદર જગ્યા વિશાળ રહેતી હતી ત્યારે વાસ્તુ પ્રમાણે રસોઈ ઘર અને ભોજન કક્ષની વ્યવસ્થા અલગ-અલગ રહેતી હતી. ભોજન કક્ષ એક એવી જગ્યા છે કે જ્યાં દિવસ દરમિયાન ઘરના સભ્યો સાથે ભોજન લેતાં હોય છે અને મહેમાનો અને મિત્રો સાથે ભોજન સાથે વિચાર વિમર્શ થતો હોય છે. આજે આપણે સમજીએ કે વાસ્તુ પ્રમાણે ડાઈનીંગ એરિયાની ગોઠવણી કરતી વખતે શું કાળજી રાખવી.
- Advertisement -
ડાઈનિંગ ટેબલની ઉપર બિમ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું
ઘર-પરિવારની મુખ્ય વ્યક્તિ પૂર્વ દિશા તરફ મુખ રાખીને જમે તે રીતે તેમની ચેરની વ્યવસ્થા કરવી. બાકીના પરિવાર પૂર્વ, ઉત્તર અથવા પશ્ર્ચિમ બાજુ મુખ રાખીને બેસી શકે છે.
આપના ઘરના કોમન ટોઈલેટથી આપનો ડાઈનિંગ એરિયા દૂર હોય તે વાતની ખાસ કાળજી રાખવી.
ડાઈનિંગ ટેબલની ઉપર બિમ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું.
આપના ઘરની અંદર જો રસોડું વાયવ્ય ખૂણામાં હોય એટલે કે પશ્ર્ચિમ અને ઉત્તર દિશાની વચ્ચે રસોડું હોય તો આપ ડાઈનિંગ ટેબલ ઉત્તર કે પશ્ર્ચિમ દિશામાં રાખી શકો છો.
જો ઘરની અંદર રસોડું એટલે કે કિચન અગ્નિ ખૂણામાં હોય એટલે કે દક્ષિણ અને પૂર્વ દિશા વચ્ચેનો ખૂણામાં હોય તો આપ ડાઈનિંગ એરિયા પૂર્વ દિશામાં રાખી શકો છો.
ઘરની મુખ્ય વ્યક્તિએ દક્ષિણ દિશા તરફ મુખ રાખીને જમવું નહીં.
સામાન્ય રીતે ડાઈનિંગ ટેબલમાં પણ વાસ્તુમાં વપરાતા ચોરસ કે લંબચોરસ આકારને વધારે પ્રાધાન્ય આપવામાં આવેલું છે.
ઘરમાં ગોળાકાર અથવા અન્ય અનિયમિત આકાર ધરાવતું ડાઈનિંગ ટેબલ ટાળવું જોઈએ.
પરંતુ એવી જગ્યાઓ કે જ્યાં ખૂબ જ ઝડપથી જમીને નીકળી જવાનું હોય જેમ કે એરપોર્ટ પરના રેસ્ટોરન્ટ, રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશન પરના રેસ્ટોરન્ટ અથવા હાઈવે પર ફાસ્ટ ફૂડ પીરસતા રેસ્ટોરન્ટમાં રાઉન્ડ શેપના ડાઈનિંગ ટેબલનો ઉપયોગ કરી શકાય છે.
આપના ડાઈનિંગ એરિયાની અંદર પર્યાપ્ત ઉજાસ રહે તેનું ખાસ ધ્યાન રાખવું.
વાસ્તુ શાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર લાકડાના ડાઈનિંગ ટેબલ શ્રેષ્ઠ છે.
જો આપના ડાઈનિંગ ટેબલની સાઈઝ મોટી હોય તો દરરોજ તાજા ફૂલોથી ડાઈનિંગ ટેબલની સજાવટ કરવી.
ભોજનની અંદર તૂટેલા કે આકાર ખરાબ થઈ ગયેલા વાસણનો ઉપયોગ કરવો નહીં.
ઘણાં ઘરોમાં આપણે અનુભવ્યું હશે કે ડાઈનિંગ ટેબલ પર ખાવા-પીવાની વસ્તુઓ સિવાય અન્ય વસ્તુઓના ખડકલાં કરી દેવામાં આવતા હોય છે જે યોગ્ય નથી, ભોજન સિવાયની અન્ય વસ્તુ ડાઈનિંગ ટેબલ પર ન રાખવા.
ડાઈનિંગ ટેબલ પાસે જો કોઈ ચિત્ર કે પિક્ચર રાખવાનું હોય તો તે દિશાના રંગ અને તત્ત્વને અનુરૂપ મનને આનંદ આપે તેવા ચિત્રની ગોઠવણી કરવી.
ઘણાં કિસ્સાઓમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે ડાઈનિંગ ટેબલના એરિયાને વિશાળ દર્શાવવા માટે તેની કોઈ એક દિવાલ પર મોટા અરીસા રાખવામાં આવેલા હોય, પરંતુ તે સીંગલ પીસ ન હોતા, અરીસાના નાના ઝીણા ટુકડાઓને ભેગા કરી તેમાંથી એક મીરર બનાવવામાં આવેલો હોય જે યોગ્ય નથી.
કોઈ જગ્યાએ ડાઈનિંગ એરિયા મોટો હોય અને ડાઈનિંગ ટેબલ સિવાય કિચનને લગતી ક્રોકરી કે ડાઈનિંગની વસ્તુઓનું સ્ટોરેજ કરવાનું હોય તો તે ડાઈનિંગ રૂમની સાઉથ કે વેસ્ટ વોલ તરફ કરી શકાય છે.
આનંદથી અને પ્રસન્ન ચિત્તે શાંતિપૂર્વક ગ્રહણ કરવામાં આવેલું સાત્ત્વિક ભોજન ઊર્જા શક્તિમાં અનેકગણો વધારો કરે છે અને સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે છે.
ફરી મળીશું આવતાં શનિવારે નવા વિષય સાથે…..
રોજ-બરોજનાં જીવનમાં વાસ્તુ સંબંધી મૂંઝવતા પ્રશ્ર્નો વિશે આપ 77191 11555 પર વ્હોટ્સએપ કરી પ્રશ્ર્ન પૂછી શકો છો. અમે દર શનિવારે શક્ય તેટલાં પ્રશ્ર્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.