રોઝા છોડવાના સમયે જ વિસ્ફોટો ભરેલી બે કારમાં વિસ્ફોટ સર્જયા બાદ સુરક્ષાદળો સાથે ભીષણ અથડામણ
રમજાનનાં પવિત્ર મહિનામાં જ પાકિસ્તાન ફરી આતંકવાદી બોંબ ધડાકાથી ધણધણી ઉઠયુ હતું. ખૈબર પુખ્તુનખ્વામાં બન્નુ છાવણી પાસે પ્રચંડ બોંબ ધડાકામાં સાત બાળકો સહિત 12 લોકોના મોત નીપજયા હતા. બોંબ વિસ્ફોટ એટલો શકિતશાળી હતો કે તેમાં મસ્જીદની છત પણ ધરાશાયી થઈ હતી. આત્મઘાતી હુમલાખોરોએ વિસ્ફોટકો ભરેલી બે કાર સુરક્ષા ચોકીમાં ઘુસાડી દીધી હતી. રમજાનમાં રોઝા છોડવાના સમયે જ આ હુમલો કરાયો હતો અને લોકોની ભીડ હતી. વિસ્ફોટ બાદ ત્રાસવાદીઓ તથા સુરક્ષા દળો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી તેમાં 6 ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
- Advertisement -
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર સુરક્ષાદળો અને હુમલાખોરો વચ્ચે સર્જાયેલી અથડામણમાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા હતા અને 35 થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. આ આતંકી હુમલા પાછળ જૈશ ઉલ ફુરસાન સંગઠનનો હાથ હોવાની જાણકારી છે. આ સંગઠન પાકિસ્તાની સૈન્યના ગઠબંધન હાફિઝ ઉલ બહાદુરનો હિસ્સો રહે છે અને તાજેતરમાં જ આ સંગઠને ટીટીપી સાથે હાથ મિલાવ્યા હતા. અહેવાલ અનુસાર આતંકીઓએ બે કાર બોમ્બનો ઉપયોગ કર્યો હતો જેથી સુરક્ષાદળોનું ધ્યાન ભટકાવી શકાય. તેના પછી તાત્કાલિક ટારગેટેડ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલો રમઝાન મહિનામાં રોઝા ખોલવા માટે ઈફ્તારની તાત્કાલિક બાદ કરવામાં આવ્યા હતા. અહીં આર્મી કેન્ટના સુરક્ષા બેરિયર પર હુમલો કરાયો હતો. આ હુમલામાં 5 થી 6 આતંકીઓ સામેલ હોવાની જાણકારી મળી હતી.