હિન્દુ-મુસ્લિમ સમાજની દિકરીઓ એક જ માંડવે લગ્નગ્રંથીથી જોડાઈ:ગ્રામજનોએ સાતેય જાનનું સામૈયું કર્યું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકાનાં ધણેજ ગામે સમસ્ત ગામ આયોજીત સર્વ સમાજ નો બીજો સમુહ લગ્નોત્સવ રંગેચંગે યોજાયો હતો. આ સમુહ લગ્નોત્સવમાં પાંચ કોળી સમાજ,એક પ્રજાપતિ,એક મુસ્લિમ સહિત ગામની સર્વ સમાજની સાત દિકરીઓએ સમુહમાં જીવનપંથ ની શરૂઆત કરી પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.ગામની તમાંમ દિકરીઓની જાન આવતા મહિલા સરપંચ જલ્પાબેન પંડિત ની ઉપસ્થિતિમાં ગામના તમાંમ સમાજના ગ્રામજનોએ સાતેય જાનનું ડી.જે.ના તાલે વાજતેગાજતે શાહી સ્વાગત કર્યું હતું.હિન્દુ-મુસ્લિમ સમાજની દિકરીઓએ એક માંડવા હેઠળ ગ્રામજનોના આશિર્વાદ મેળવી લગ્નગ્રંથીથી જોડાઈ હતી..સમૂહ લગ્નમાં જોડાયેલ તમામ દીકરીઓને કરીયાવરમાં ઘર વપરાશ માટે ઉપયોગી 17 વસ્તુઓ ગ્રામજનો દ્વારા કરીયાવરમાં આપવામાં આવી હતી.લગ્નના માંડવામાં નવદંપતીઓને લગ્નના પ્રમાણપત્રો તથા ભાગવત ગીતા સ્થળ ઉપર આપવામાં આવ્યા હતા.
- Advertisement -
આ પ્રસંગે ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ,જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠીયા,મહામંત્રી દિલીપભાઈ બારડ,તાલુકા પંચાયત પ્રમુખ અનિલાબેન બારડ,ડી.એફ.ઓ.તોમર સાહેબ,જિલ્લા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર રાજુભાઈ ડોડીયા,આર.એફ.ઓ.રાઠોડ સાહેબ વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી નવદંપતીઓને શુભ આશિષ આપ્યા હતા.ધણેજ ગામના ગૌરવવંતા તમામ સમાજ ઉપયોગી પ્રસંગ સફળતાપૂર્વક દીપી ઊઠે માટે ગામના અગ્રણી બાબુભાઈ પંડિત તથા રણજીતભાઈ ડોડીયા તથા યુવાનોએ આગોતરા આયોજન સાથે જબરી જહેમત ઉઠાવી હતી.
ચાર હજાર લોકોએ એક જ પંગતમાં ભોજન કર્યું
સમસ્ત ગામ આયોજિત ધણેજ ગામે સર્વ સમાજના યોજાયેલ સમૂહ લગ્નોત્સવ માં ગામના ગૌરવવંતા આ સામાજિક રૂડા પ્રસંગે ગામમાં વસવાટ કરતા તમામ સમાજના ચાર હજાર લોકોએ ગામની દીકરીઓને સમૂહમાં આશીર્વાદ આપી હિંદુ-મુસ્લિમ તમામ પરિવારોએ એક જ પંગત ઉપર બેસી સમૂહ ભોજન કરી ગામની ભાઈચારા અને સમરસતા સમગ્ર પંથક સમક્ષ ઉજાગર કરી હતી.