મવડીમાં અનેક મસાલા માર્કેટના મંડપ ઉડી જતાં વેપારીઓ પરેશાન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
- Advertisement -
હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબકતા કાળઝાળ ગરમીમાંથી લોકોને થોડી રાહત મળી હતી. ખાસ કરીને રાજકોટ સહિત અનેક શહેરોમાં પણ વાવાઝોડા સાથે પવન ફુંકાતા વૃક્ષો, પોલ, હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા ત્યારે રાજકોટની વાત કરીએ તો ગઈકાલે મોડી સાંજે 50થી 60 કિ.મી.ની ઝડપે તોફાની પવન ફૂંકાવા સાથે અમીછાંટણા થયા હતા. શહેરમાં ભારે પવન ફૂંકાવાના કારણે નાના મવા રોડ, શાસ્ત્રીનગર, રાષ્ટ્રીય શાળાની અંદર, જયરાજ પ્લોટ, વર્ધમાનનગર, આરટીઓ પાછળ શિવનગરમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. જો કે અચાનક વાતાવરણમાં પલટો આવવાથી શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો બીજીબાજુ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો હતો. હજુ 16મી મે સુધી મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવા સાથે આકરી ગરમીમાં રાહત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
રાજકોટમાં પણ ભારે વાવાઝોડા સાથે પવન ફૂંકાતા શહેરના અનેક મસાલા માર્કેટમાં મોટી નુકસાની થઈ હતી. ગઈકાલે રાજકોટમાં 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. શહેરના મવડી વિસ્તારમાં આવેલા જલારામ મસાલા માર્કેટ સહિત અનેક મસાલા માર્કેટના વેપારીઓને મોટી નુકસાની થવા પામી હતી. રાજકોટમાં મીની વાવાઝોડાના કારણે મવડી વિસ્તારના અનેક મસાલા માર્કેટના મંડપ ઉડ્યા હતા તો વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. મસાલા માર્કેટના વેપારીઓને વાવાઝોડાના કારણે નુકસાની વેઠવી પડી હતી તો મોટી માત્રામાં મસાલા પણ ઉડી ગયા હતા.