ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદર કોંગ્રેસના અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ તંત્રને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે, માર્કેટિંગ યાર્ડથી જયુબેલી ચાર રસ્તા, આદિત્યાણા-કોલીખડા રોડ બરડા પંથકના ગામડાઓથી લઈને મોકર-ગોસા રોડ સુધી બાવળના વૃક્ષો વધુ પ્રમાણમાં ઉગી નીકળતા કયાંક ને કયાંક રાત્રિના સમયે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. આ બાવળની ડાળીઓ રસ્તા પર ફેલાઇ હોવાથી અકસ્માતની ઘટના બની શકે છે. ખાસ કરીને આ અનેક રસ્તા પર લાઇટો નહી હોવાથી રાત્રીના સમયે અસ્માતની પુરી શકયતા રહેલી છે. જેથી નેશનલ હાઇવે ઓથોરીટી, સ્ટેટ હાઈવે ઓથોરીટી સહિત સ્ટેટ હાઈવે ઓથોરીટી દ્વારા આ રસ્તા પરની બાવળની ડાળીઓનું કટીંગ કરવામાં આવે તેવી માંગ વાહનચાલકો કરી રહ્યાં છે. એક બાજુ બાવળનું સામ્રાજ્ય અને બીજી બાજુ રસ્તા પરના ખાડાને લીધે વાહનચાલકોને રસ્તા પર પસાર થવું મુશ્કેલ બન્યું છે.રાણાવાવની સૌરાષ્ટ્ર કેમિકલ અને સુભાષનગર તરફ જતા ટ્રક જેવા ભારે વાહનો અહીથીજ પસાર થાય છે, જેના લીધે રાત્રિના સમયે અકસ્માતની પુરેપુરી શકયતા રહેલી છે. ત્યારે આ રસ્તા પરના બાવળના વૃક્ષ ટુ વ્હીલર ચાલક માટે અકસ્માતને નોતરે છે. તેવી ભીતિ સેવાઇ રહી છે જેથી રસ્તાની બંને સાઇડ અવર જવર કરતા વાહનચાલકો સામસામે અથડાઇ શકે છે. પોરબંદર તાલુકાના આ રસ્તાઓ ઉપર ખૂબ મોટા પ્રમાણમાં બાવળના વૃક્ષો ઉગી નીકળતા હવે રસ્તા ઉપર ફેલાઇ રહ્યા છે. જેથી નેશનલ હાઇવે તંત્ર દ્વારા રસ્તાની બંને બાજુ ટ્રીમીંગ કરાવવામાં આવે અને રસ્તો ચોખ્ખો કરવામાં આવે તેવી રજૂઆત રામદેવભાઈ મોઢવાડિયા એ તંત્રને કરી છે.