A.B.C. પાર્ટીમાં ધમાસાણ
જિલ્લાની પાંચ બેઠકોમાં ટિકિટની ખેંચતાણ શરૂ
- Advertisement -
કૉંગ્રેસનાં ઉમેદવાર પસંદગી થતાં નારાજ આગેવાનોએ રાજીનામાં ધરી દીધાં
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ અ.ઇ.ઈ. પાર્ટી એટલે અ-આમ આદમી પાર્ટી, ઇ-ભાજપ, ઈ-કોંગ્રેસ પાર્ટીએ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે અને જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠકોમાંથી આપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. ઉમેદવાર જાહેર થતાં પાર્ટીના કાર્યકરો અને આગેવાનોમાં ખેંચતાણ સાથે ધમસાણ જોવા મળી રહી છે. પાર્ટી શિસ્તના નિયમો નેવે મૂકી વ્યક્તિગત રાજકારણ સાથે મેદાનમાં આવ્યા છે. કોંગ્રેસે માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીને ટિકિટ આપવાની જાહેરાત કરતાં વંથલી શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જૂનાગઢ કોંગ્રેસ ભવન આવી રામ ધૂન બોલાવી અને કોંગ્રેસ ડેલિગેટ હાય હાય ના નારા લગાવ્યા હતા કોંગ્રેસ નેતા શક્તિ સિંહ ગોહિલે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તે નિષ્ફળ રહ્યો હતો અને આગેવાનો રાજીનામાં ધરી દીધા હતાં અને પાર્ટી વિરુદ્ધ કામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી એવું જ કંઈક કેશોદ બેઠક પર જોવા મળી રહ્યું છે. કોંગ્રેસે હીરાભાઈ જોટવાને ટિકિટ આપવાની જાહેરાત કરતા કેશોદનાં સ્થાનિક આગેવાનોમાં કચવાટ શરૂ થયો છે અને આયાતી ઉમેદવારના સ્થાને સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગણી કરી રહ્યા છે. એ જ રીતે માંગરોળ બેઠક પર કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય બાબુભાઇ વાજાને ફરી રિપિટ કરવાની વાતથી માંગરોળ સ્થાનિક લઘુમતી સમાજને ટિકિટ મળે તેવી માંગ ઉઠી છે.
વિસાવદર બેઠકની વાત કરીએ તો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા હર્ષદ રીબડિયાને ટિકિટ મળે તેવી વાતને લઈને ભાજપમાં છાને ખૂણે નારાજગીનો દોર જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત વિધાનસભામાં ઝંપલાવ્યું છે ત્યારે જૂનાગઢ, માંગરોળ, કેશોદ, માણાવદર અને વિસાવદરમાં ટિકિટ ફાળવણી કરાતાં હજુ સુધી કોઈ વિરોધ વંટોળ જોવા નથી મળ્યો અને પ્રચારમાં લાગી ગયા છે. આજ રીતે ભાજપની વાત કરીએ તો જિલ્લાની પાંચ બેઠકો માં 140 જેટલા ઉમેદવારોએ ટિકિટ માંગી છે અને હવે પાર્ટી કોના પર કળશ ઢોળશે તે જોવાનું રહ્યું. ભાજપનાં ઉમેદવાર જાહેર થયા બાદ નારાજગીનો દોર શરૂ થશે. આમ વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી કરતા વ્યક્તિગત રાજકારણ ઉભરીને સામે આવ્યું છે.
- Advertisement -
કૉંગ્રેસમાં કહીં ખુશી કહીં ગમનો દોર
જૂનાગઢ પાંચ બેઠકો માટે કોંગ્રેસની ત્રણ બેઠકોમાં નારાજગી જોવા મળી રહી છે. માણાવદર, કેશોદ અને માંગરોળમાં ટિકિટ જાહેર થતાં આગેવાનો અને કાર્યકરોમાં રોષ સાથે રાજીનામાં આપીને પક્ષ વિરુદ્ધ કામ કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
ભાજપના 140 જેટલાં ઉમેદવાર મેદાને
જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં 140 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. પાર્ટી કોને ટિકિટ આપશે તે તો આગામી દિવસોમાં ખબર પડશે. હાઇકમાન્ડ દ્વારા ટિકિટની જાહેરાત થયા બાદ ત્યાં પણ પાર્ટીથી નારાજ થઇ સામે પક્ષે કામ કરી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે.
આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર શરૂ
આમ આદમી પાર્ટી પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં આવી છે ત્યારે ઘણા કાર્યકરો ભાજપ-કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યાં છે ત્યારે કોઈ વિરોધના સુર જોવા નથી મળી રહ્યાં. અમુક પાર્ટીના મુખ્ય આગેવાનોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે, એ વાત જુદી છે અને આમ આદામી પાર્ટીએ દિલ્હી તેમજ પંજાબ મોડલને બતાવી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે.