તાલાલા પંથકના બિસ્માર માર્ગો બનાવવા ‘ગ્રાન્ટનો ઉપયોગ કરો’
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.17
તાલાલા તાલુકાનાં જંગલની બોર્ડર ઉપર આવેલ રસુલપરા ગીર ગામના જાગૃત નાગરિક ઉમેશભાઈ માથુકીયા એ બિસ્માર રસ્તા ને કારણે ગ્રામજનો ઉપર આવેલ આફત દુર કરવાની માંગણી સાથે ગીર સોમનાથ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપ્યું છે.જેમાં જણાવેલ વિગત પ્રમાણે તાલાલા તાલુકાનાં આંકોલવાડી ગીર-રસુલપરા-શીરવાણ રોડ,આંકોલવાડી થી વાડલા ગીર રોડ ઉપરાંત રાતિધાર-રામપરા થી રાયડી રોડ મંજૂર થયેલા છે જેમનાં જોબ નંબર પણ આવેલાં છે.છતા આજ દિવસ સુધી ટેન્ડરીંગ નાં લીધે કામ શરૂ ન થતાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
- Advertisement -
આંકોલવાડી ગીરથી રસુલપરા તથા રાતિધાર થી રામપરા-રાયડી રોડ ખુબજ બિસ્માર હાલતમાં છે..પ્રજા તથા વિધાર્થી ને આવવા જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે.ઈમરજન્સી હોસ્પિટલ જવામાં પણ મુશ્કેલી પડી રહી છે અને છાશવારે અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે જેમાં નિર્દોષ લોકોના જીવ પણ ગયા છતાં તંત્ર ધુતરાષ્ટ્ર બની બધું જોયા કરે છે.તાલાલા પંથકની ગ્રામીણ પ્રજા માટે આફતરૂપ બનેલ બિસ્માર માર્ગો કેસર કેરીની આગામી સિઝન શરૂ થાય તે પહેલાં નવનિર્મિત બનાવી ગ્રામીણ પ્રજાની હાલાકી ભુતકાળ બનાવવા સરકારે ફાળવેલ ગ્રાન્ટ પ્રજા કલ્યાણ માટે તુરંત વાપરવા આવેદનપત્ર ના અંતમાં માંગણી કરી છે.
તાલાલા પંથક માટે બાંધકામ વિભાગનું ઓરમાયું વર્તન
તાલાલા પંથકના વિવિધ દશ થી બાર ગામોના તુટી ગયેલ ગ્રામીણ માર્ગો નવનિર્મિત બનાવવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ સાથે સરકારે મંજૂરી આપેલ છે જેને એક વર્ષ થવા આવ્યું છતાં પણ બાંધકામ ખાતું ગ્રામીણ માર્ગોની કામગીરી શરૂ કરતું નથી…તાલાલા પંથકના ખલાશ થઈ ગયેલ માર્ગોને કારણે પ્રજા દયાજનક સ્થિતિમાં મુકાઇ ગઈ છે.બાંધકામ વિભાગમાં વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તાલાલા પંથક બાંધકામ વિભાગ માટે ઓરમાયો હોય તંત્રનું પેટ નું પાણી હલતું નથી તેવા ખુલ્લા આક્ષેપો સાથે તાલાલા પંથકની પ્રજામાં બાંધકામ વિભાગ સામે ભારે રોષ ફેલાયો છે.



