ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર ઝાપટું વરસી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી
વરસાદ વરસતા વાવણી શરૂ: ખેડૂતોમાં હરખની હેલી
- Advertisement -
માત્ર ઝાપટા પડતા મુખ્ય માર્ગો પર કાદવ-કીચડનું સામ્રાજ્ય, વાહન ચાલકોને ભારે હાલાંકી: રેસકોર્સના મેળામાં કચકાણ
ખાસ-ખબર સંવાદદાતા
ગઈકાલે અને શનિવારે બપોર બાદ મેઘરાજાએ પધરામણી કરી હતી. સવારથી ધૂપ-છાંવ જેવા વાતાવરણ બાદ બપોરે તેજ પવને વરસાદનાં આગમનની જાણે છડી પોકારી હતી. ધૂળની ડમરીઓ ઉડયાની ગણતરીની ક્ષણોમાં જ ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર ઝાપટું વરસી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
શહેરની ભાગોળે આજી – ડેમ અને લાલપરી વિસ્તારમાં એક ઈંચ જેટલો વરસાદ પડી જતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જો કે શહેરનાં અન્ય ભાગોમાં માત્ર ઝાપટા જ પડયા હતા. જો કે, માત્ર ઝાપટા પડતા જ મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ છત્તી થઈ હતી. રેસકોર્સ ખાતે ચાલતા મેળામાં પાણી ભરાયા હતા અને કચકાણ થયું હતું. રજાના દિવસે મોડી બપોરે અનેક શહેરીજનો વરસાદમાં નાહવા નીકળી પડયા હતા, જો કે થોડી વારમાં વરસાદ અટકી જતાં પલળવાની પૂરી મોજ તો માણી શક્યા ન હતા. પરંતુ વરસાદને વધાવવા રાજકોટની પરંપરા મુજબ લોકો સાંજે ભજીયાં અને ફાસ્ટફૂડ ખાવા ઉમટી પડયા હતા. મહાપાલિકાનાં ચોપડે સેન્ટ્રલ ઝોનમાં 1પ મીમી, ઈસ્ટ ઝોનમાં 10 મીમી અને વેસ્ટ ઝોનમાં માત્ર 1 મીમી વરસાદ નોંધાયો હતો. ગઈકાલે વેસ્ટ ઝોનમાં સારો વરસાદ પડયો હતો આજે પણ બપોર બાદ આકાશ ગોરંભાયુ હતુ પરંતુ રૈયા રોડ, ગાંધી ગ્રામ, યુનિ. રોડ વિસ્તારમાં હળવા ઝાપટા પડયા હતા. શહેરનાં મધ્ય ભાગમાં ઢેબર રોડ, યાજ્ઞિાક રોડ, વાણીયા વાડી સહિતનાં વિસ્તારમાં પાંચેક વાગ્યે હળવા – ભારે ઝાપટા પડયા હતા. શહેરમાં આખો દિવસ ઉકળાટ રહયા બાદ સાંજે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી.
- Advertisement -
મેઘમહેરના પગલે ધરતીએ લીલી ચાદર ઓઢી, પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી
ગઈકાલે રાજકોટમાં વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી. ગુજરાતમાં હવે સત્તાવાર ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે ત્યારે છેલ્લા બે દિવસથી રાજકોટ જિલ્લામાં ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે. આ વર્ષે પણ ખેડૂતોએ સારા વરસાદની સાથે સારા પાક ઉપજની આશા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા લોકોના હૈયે ટાઢક વળી હતી. રવિવારે સાંજના વરસાદ આવતા બાળકો અને મોટેરાઓ વરસાદમાં નહાવા માટે બહાર નીકળી ગયા હતા. વરસાદને પગલે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં તાપમાનનો પારો ઘટીને 35 ડિગ્રીએ નીચે પહોંચી ગયો હતો. અને લોકોને બફારામાંથી રાહત મળી હતી. હજુ બે-ત્રણ દિવસ બફારાનો અહેસાસ થવાની સંભાવના છે.