જૂનાગઢમાં કોરોના કાળથી બંધ સીટી બસ સેવા શરૂ કરવા કવાયત હાથ ધરાશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ વિકાસનાં કામને મંજુરી આપવામાં આવી હતી. ખાસ કરીને જૂનાગઢને રેલવે ફટકાથી મુક્તી આપવા કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ શહેરમાં ફરી સીટીબસ સેવા કાર્યરત થશે. સ્થાયી સમિતી ચેરમેન હરેશભાઇ પણસારાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તમામ જિલ્લા, શહેરોને રેલવે ફાટકથી મુક્તિ અપાવવા પ્રયત્નશીલ છે. ત્યારે જૂનાગઢ શહેર મધ્યેથી પસાર થતી મિટર ગેઇજ રેલવે લઇનમાં 7 રેલવે ફાટક અને 2 માનવ રહિત ફાટક આવે છે. ત્યારે શહેરીજનોને રેલવે ફાટકથી મુક્તિ અપાવવા મિટર ગેઇજ રેલવે સ્ટેશન ગાંધીગ્રામમાં બનાવા દરખાસ્ત કરાઇ છે..
- Advertisement -
જ્યારે રેલવે ઓવર બ્રિજ માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આ રેલવે ઓવરબ્રિજ બનાવવા માટે એસટીની જમીન સંપાદન કરવી પડે તેમ હોય તે માટે 3 કરોડ ચૂકવીને જમીન કોર્પોરેશન હસ્તક લેવાશે. આ ઉપરાંત કુલ 5 કરોડ 92 લાખના વિકાસ કામોને સ્થાયી સમિતીએ મંજૂરી આપી છે. જૂનાગઢ શહેરમાં કોરોના કાળથી સીટી બસ સેવા બંધ છે. દરમિયાન સીટી બસ સેવા શરૂ કરવા માટે પણ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. દિવાળી સુધીમાં સીટીબસ સેવા શરૂ થઇ જશે. તેમ પણ સ્થાયી સમિતી ચેરમેન હરેશભાઇ પણસારાએ જણાવ્યું છે.