વેરા વસૂલાત અને આરોગ્ય શાખા માટે નવા વાહનો ખરીદાશે, 17.23 લાખની દરખાસ્ત
વોકળામાં પાઇપલાઇન પાથરવા સહિતની દરખાસ્તો: એનિમલ હોસ્ટલમાં નવા શેડ બનશે, સર્કલ અને ડિવાઇડર ટ્રાફિકને અનુકૂળ બનાવવા ક્ધસલ્ટન્ટની નિમણૂક
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 96 દરખાસ્ત રજૂ કરાઈ હતી. જેમાંથી 15 દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે. સર્કલ માટેની દરખાસ્તને મંજૂરી, ડ્રેનેજને લગતી દરખાસ્ત મંજૂરી આપવામાં આવી છે. સાથે જ ભરતી માટેના નિયમો અને કાલાવડ રોડ કપાતને લઇને આવેલી દરખાસ્ત અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે. 30 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. ટ્રાકિકની સમસ્યાને જોતા સર્કલ નાના અને મોટા કરવા મામલે દરખાસ્ત અંગે નિર્ણય લેવાયો છે.
વિશેષમાં સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં બે ડેપ્યુટી કમિશનર અને પાંચ વોર્ડ ઓફિસરની જગ્યા ઉપસ્થિત કરી તેની ભરતી કરવામાં આવશે. તદઉપરાંત અસિસ્ટન્ટ મેનેજરોની પણ ભરતી કરાશે. સુવિધા વિહોણા વિસ્તારોમાં ટેન્કરો પહોંચાડવા માટે 5.54 કરોડની દરખાસ્ત, રાજકોટ શહેરનો મહાનગરપાલિકા વિસ્તાર હાલ ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ તેમ ત્રણ ઝોનમાં વેચાયેલો છે અને કુલ 18 વોર્ડ છે તેમાંથી દરેક ઝોનમાં છ-છ વોર્ડ સમાવિષ્ટ છે. આગામી દિવસોમાં માધાપર વિસ્તારમાં નોર્થ ઝોન અને કોઠારીયા વિસ્તારમાં સાઉથ ઝોન બનાવાઇ તેવી શકયતા છે. આ માટે નવી જગ્યાઓ ઉપસ્થિત કરી ભરતી માટે કાર્યવાહી કરવાનું આયોજન ચાલી રહ્યું છે.
જામનગર રોડ પરના સાંઢીયા પુલની જગ્યાએ નવો રેલવે ઓવરબ્રીજ બનાવવાનો છે. તેના ખર્ચ અંગે રેલવે સાથે હજુ ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ વર્તમાન શાસકોએ બ્રીજની આ યોજના ફાઇનલ કરી નાંખી હોય, બ્રીજની દક્ષિણ અને પશ્ચિમ દિશામાં લાગુ 10.5 મીટરના સર્વિસ રોડ કાઢવા લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ બેસાડવામાં આવશે. તેના કારણે એકાદ બે ખાનગી જમીન અને ખુલ્લી જમીન કપાતમાં લેવાની થાય છે. ભવિષ્યમાં પરસાણાનગર, હુડકો કવાર્ટર, ભોમેશ્વર પ્લોટ જેવા લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે આ નવો રોડ બનાવવામાં આવશે.
- Advertisement -
સૌરાષ્ટ્ર-તમિલ સંગમ, સુરીલી શામ, હાસ્ય કવિ સંમેલન સહિતના ખર્ચ મંજૂર
સામુહિક આરોગ્ય કેન્દ્ર, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે પણ નવી જગ્યા ઉભી કરવામાં આવશે. જુદી જુદી શાખાઓમાં ભરતીના નિયમો સુધારવા, સેટઅપ રીવાઇઝ કરવા સહિતની દરખાસ્તો એજન્ડામાં આવી છે. આવાસના કાર્યક્રમો, સુરીલી શામ, હાસ્ય કવિ સંમેલન, યોગ દિન, લોકાર્પણ-ખાતમુહૂર્ત, સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમ, મુખ્યમંત્રીની બે વર્ષ પહેલાની મુલાકાત વખતનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
કોઠારીયા સોલવન્ટ બાજુનો રોડ 7.39 કરોડના ખર્ચે નવો બનશે
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વોર્ડ નં.18ના કોઠારીયામાં રસ્તા, પાણીની લાઇન સહિતના વિકાસ કામોની દરખાસ્તોનો ઢગલો થયો છે. છેલ્લા બે મહિનાથી અને હજુ પણ કોઠારીયાના વિકાસને લગતી દરખાસ્તો શાસકોએ એજન્ડામાં લીધી છે.