મનપાની આચારસંહિતાની છેલ્લી બેઠક મળી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
- Advertisement -
રાજકોટ મનપા કચેરી ખાતે સ્ટેન્ડીંગ કમિટિની બેઠકનો એજન્ડા સેક્રેટરી દ્વારા પ્રસિધ્ધ કરાયો હતો. જે અંતર્ગત આજે સ્ટેડિંગ કમિટીની બેઠક ચેરમેન જયમીન ઠાકરનાં અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ એજન્ડામાં જુદા-જુદા વિકાસ કામોની 20 દરખાસ્તોનો સમાવેશ કરાયો હતો. જોકે, હાલ આચારસંહિતા અમલી હોવાને કારણે સતત ત્રીજી બેઠકમાં નિયમ મુજબ તમામ દરખાસ્તોને પેન્ડિંગ રાખવામાં આવી હતી. આગામી સમયમાં જરૂર પડ્યે દર સપ્તાહે સ્ટેન્ડિંગની બેઠક બોલાવી વધુમાં વધુ વિકાસનાં કામો મંજુર કરવાની તૈયારી સ્ટેન્ડિંગ ચેરમેને દર્શાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આજની બેઠકનાં એજન્ડામાં શહેરના વોર્ડ નં. 18 માં ટી.પી. 12માં પાલવ સ્કુલ પાસે 20 મી. રોડ તથા 24 મી રોડ ડેવલપ કરવાના અને શહેરના વોર્ડ નં. 18માં ટી.પી. 12માં આવેલ 20 મીટર રોડ સાંઇબાબા સર્કલથી ગુલાબનગર તથા સાંઇ બાબા સર્કલથી શાનદાર-5, 24 મી રોડ ડામર કાર્પેટ કરવા તથા શહેરના વોર્ડ નં. 18માં આવેલા વિરાણી અઘાટ, ખોડીયાર, ઇન્ડસ્ટ્રીયલ એરિયા તથા અન્ય ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ડ્રેનેજ લાઇન નાખવાના તથા હાઉસ કનેકશન ચેમ્બર બનાવવા સહિતની દરખાસ્તો મુકવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરનાં જણાવ્યા મુજબ, બીપીએમસી એકટ હેઠળ મહિનામાં એક વખત સ્ટેન્ડીંગ કમિટીની બેઠક બોલાવી ફરજિયાત છે. જેને લઈને અગાઉ પણ બે બેઠક બોલાવવામાં આવી હતી.
જેમાં પેન્ડિંગ રહેલી 20 દરખાસ્તો આજે મુકવામાં આવી હતી. જોકે, લોકસભા ચૂંટણીની આચારસંહિતાને કારણે વધુ એકવખત તમામ દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી છે. આગામી મહિનામાં જરૂર પડ્યે દર સપ્તાહે સ્ટેન્ડિંગ બેઠક બોલાવીને વધુમાં વધુ વિકાસનાં કામોને મંજૂરી આપવામાં આવશે.