ખાસ-ખબર સંવાદદાતા
ભારત માટે 15 મેચ રમી ચૂકેલા ક્રિકેટર મનોજ તિવારીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. હાલમાં તેઓ પશ્ર્ચિમ બંગાળના રમતગમત અને યુવા બાબતોના મંત્રી છે. મળતી માહિતી પ્રમાણે આ ક્રિકેટરે ગુરુવારે સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી હતી. મનોજે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરતાં લખ્યુ કે, આ રમતે તેમને ઘણુ બધુ આપ્યુ છે, જેની તેમણે ક્યારેય આશા પણ નહોતી કરી. ક્રિકેટર મનોજે તેમની કારકિર્દીના અંતે સૌનો આભાર માન્યો હતો. તેણે તેના તમામ કોચ, સાથી ખેલાડીઓ અને માતા-પિતાનો આભાર માન્યો હતો.
આ સિવાય મનોજે તેની પત્ની સુસ્મિતા રોયનો પણ આભાર માન્યો હતો. સંન્યાસ લેતા ખેલાડીએ પત્ની સુસ્મિતા રોયનો આભાર માન્યો હતો. પત્નીનો આભાર માનતાં મનોજે લખ્યું કે, મારી પત્ની સુસ્મિતા રોયનો ખૂબ ખૂબ આભાર, જે મારા જીવનમાં આવ્યા ત્યારથી હંમેશા મારી સાથે છે. તેમના સમર્થન વિના, હું આજે જીવનમાં જ્યાં છું ત્યાં સુધી પહોંચી ન શકત. જ્યારે મનોજે પોતાની નિવૃત્તિ વિશે લખ્યું, ક્રિકેટની રમતને અલવિદા. આ રમતે મને બધું જ આપ્યું છે, મારો મતલબ કે, એ બધી જ વસ્તુ જેની મેં ક્યારેય કલ્પના પણ કરી ન હતી, જે એ સમયથી શરૂ થાય છે જ્યારે મારા જીવનમાં ઘણી મુશ્ર્કેલીઓ આવી હતી.