7મા નોરતે ગરબાના રંગમાં ભંગ, ગરબા આયોજકોએ બંધ કર્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે, જૂનાગઢ જિલ્લામાં ગત રાતથી મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું હતું. માત્ર 24 કલાકમાં જ સમગ્ર જિલ્લામાં 2 ઇંચથી 9 ઇંચ સુધીના ભારે વરસાદથી લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી છે. જોકે, નવરાત્રીના સાતમા નોરતે વરસાદે ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફેરવી દીધું હતું, અને રંગમાં ભંગ પડ્યો હતો જેના કારણે પ્રાચીન અને અર્વાચીન ગરબીઓ બંધ રાખવાની ફરજ પડી હતી.
ગત રાત્રે 8 વાગ્યાથી શરૂ થયેલી મેઘમહેર આજે બપોરે 12 વાગ્યા સુધી અવિરત ચાલુ રહી હતી. આ સમયગાળા દરમિયાન, માંગરોળ તાલુકામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે કેશોદમાં 5 ઇંચ, માળીયા હાટીના અને વિસાવદરમાં 4 ઇંચથી વધુ, મેંદરડા અને ભેસાણમાં 3 ઇંચ, વંથલીમાં 3 ઇંચ, જૂનાગઢ શહેરમાં 2 ઇંચથી વધુ અને માણાવદરમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. આ ભારે વરસાદના પગલે ફરી એકવાર નદી-નાળા બે કાંઠે વહેતા થયા હતા અને સૌરાષ્ટ્રના અનેક ડેમોમાં નવા નીરની આવક થતાં તે ફરી ઓવરફ્લો થયા છે. ખેતરોમાં ફરી પાણી ભરાઈ જતા ખેડૂતોમાં પણ સંતોષની લાગણી જોવા મળી છે.
શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રીનો માહોલ જામ્યો હતો ત્યારે અચાનક રાત્રે વરસાદ શરૂ થતાં ગરબા આયોજકો ચિંતામાં મુકાયા હતા. સતત વરસતા વરસાદના કારણે ગરબાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે આયોજકોએ ગરબાના કાર્યક્રમો રદ કરીને માત્ર માતાજીની આરતી અને આરાધના કરી હતી. ખેલૈયાઓને પણ વરસાદના કારણે ઘરની બહાર નીકળવાનું ટાળવું પડ્યું હતું, જેનાથી તેમના રંગમાં ભંગ પડ્યો હતો. શહેરમાં ગરમીનો પારો 34 ડિગ્રીની આસપાસ હતો, ત્યારે વરસાદ આવતા ગરમીથી રાહત મળી છે, પરંતુ જો આજે રાત્રે પણ વરસાદ આવશે તો ખેલૈયાઓનો ઉત્સાહ ફરીથી ઠંડો પડી શકે છે.
- Advertisement -
ગિરનાર રોપ-વે ભારે પવનના કારણે બે દિવસથી બંધ
જૂનાગઢ શહેરમાં ગત સવારથી ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાને કારણે ગિરનાર રોપ-વેને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાત્રે વરસાદ શરૂ થતાં અને આજે પણ વરસાદી માહોલ તથા ભારે પવનને લીધે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને રોપ-વેને બીજા દિવસે પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ સુધી સારો વરસાદ પડવાની શક્યતા છે. જો વાતાવરણ અનુકૂળ હશે તો રોપ-વે ફરીથી શરૂ કરવામાં આવશે.



