ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
એક તરફ જ્યારે વિસાવદરના ધારાસભ્ય દ્વારા લોકો પોતાની સમસ્યા, પ્રશ્ર્નો તેમજ કોઈ પણ કામ માટે લોકોને રજૂઆત કરવા સરળતા રહે તે માટે અધતન કાર્યાલય ખુલ્લું મૂક્યું છે ત્યારે માણાવદરના ધારાસભ્ય દ્વારા વંથલી ખાતે પોતાના કાર્યાલયને અલીગઢી તાળુ લગાવી દેતા આ વિસ્તારના લોકોમાં રોષની લાગણી છવાઈ ગઈ છે એક તરફ માણાવદરના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા આગામી સમયમાં રોજગાર સહાયતા અભિયાન અંતર્ગત બેરોજગાર લોકોને સાંભળવા માટે આ મતવિસ્તારના વંથલી,મેંદરડા,માણાવદર ખાતે બેઠકનું આયોજન કર્યું છે જેને લઇ આ વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે જેની સામે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટરીયા અને ધારાસભ્ય અરવિંદ લાડાણી એ કેબિનેટ મંત્રીના આ રોજગાર સહાયતા અભિયાન ને નાટક ગણાવી તેની સામે અનેક આક્ષેપ કરાયા છે લાંબા સમય બાદ પૂર્વ કેબિનેટ મંત્રી ફરી લોકો વચ્ચે સક્રિય થયા છે ત્યારે સતાપક્ષના ધારાસભ્યઍ છેલ્લા 2 મહિનાથી પોતાના મતવિસ્તાર વંથલી ખાતે પોતાના કાર્યાલયને તાળું લગાવી દેતા આ વિસ્તારના લોકો રોડ રસ્તા, ભારે પાણીના પૂરને લીધે થયેલ નુકશાન, પીજીવીસીએલ વીજ જેવી સમસ્યાઓ અને રજૂઆતો માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે.
ધારાસભ્ય લોકોની વચ્ચે આવતા જ નથી તેવો લોકોનો આક્ષેપ
છેલ્લા ઘણા સમયથી વંથલી તાલુકામાં ધારાસભ્ય અરવિંદ લાડાણી પાર્ટીના કાર્યકમ સિવાય ક્યાંય લોકો વચ્ચે દેખાતા નથી તેમજ એક તરફ ઘણા સમયથી વંથલી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોના રસ્તા અતિ બિસ્માર હોવાના લીધે લોકો ત્રાહિમામ છે તેમજ તાજેતરમાં આ વિસ્તારમાં થયેલ ભારે વરસાદને કારણે પાણીના પૂરને લીધે થયેલ અસરગ્રસ્ત ગામોની મુલાકાત પણ તેમણે લીધી નથી જેને લઇ લોકોમાં ભારે રોષ છવાયો છે.
બિલ્ડિંગ વેચાતા હાલ કાર્યાલય બંધ કરાયુ છે: ધારાસભ્ય લાડાણી
આ અંગે ધારાસભ્યને કાર્યાલય બંધ કરવાનું કારણ પૂછતા તેમણે જણાવ્યું હતું કે જે કોમ્પલેક્ષમાં કાર્યાલય કાર્યરત હતું તે ભાડાની જગ્યા હતી અને હાલ આ કોમ્પ્લેક્સ વેચાઈ જતા કાર્યાલય કામચલાઉ બંધ કરેલ છે વૈકલ્પિક વ્યવસ્થા થતા ફરી કાર્યાલય લોકો માટે શરૂ કરવામાં આવશે.