એણે નક્કી કર્યું કે મારે હવે આ હોશિયાર વિદ્યાર્થીને બુદ્ધિ-બળથી હરાવવો છે. મારે જ્ઞાનવાન બનવું છે; દુનિયા મને મારી દાદાગીરીથી નહીં, પણ બુદ્ધિથી ઓળખે એવું કંઈક કરવું છે
- શૈલેષ સગપરિયા
એક વિદ્યાર્થી ભણવામાં સામાન્ય હતો પણ શરીરથી મજબૂત હતો. વર્ગના બાકીના બધા વિદ્યાર્થીઓ આ ખડતલ શરીરના વિદ્યાર્થીથી ડરતા અને તેનાથી દૂર રહેતા. આખી શાળામાં એની સામે બોલવાની કોઈ હિંમત પણ ન કરી શકતું. એક દિવસ વર્ગના કોઈ અન્ય વિદ્યાર્થી સાથે એને બોલાચાલી થઈ.
સામાન્ય બોલાચાલી વધુ ઉગ્ર બની અને ઝઘડામાં પરિણમી. બાકીના વિદ્યાર્થીઓ જાણતા જ હતા કે પહેલવાનને પડકારનાર બરોબરનો માર ખાવાનો છે. મજબૂત બાંધાના વિદ્યાર્થીને લડાઈ માટે પડકારવો એટલે સામેથી હાર સ્વીકારવા જેવી વાત હતી, આમ છતાં એ અન્ય વિદ્યાર્થીએ પહેલવાનની સાથે લડાઈ કરી અને એમાં હારી પણ ગયો.
જે વિદ્યાર્થી હારી ગયો એ શાળાનો હોશિયાર વિદ્યાર્થી હતો. એણે જીતેલા વિદ્યાર્થીને કહ્યું, “તું શરીરથી ભલે બળવાન હોય, પણ બુદ્ધિનો બળદ છે, એ આખી શાળા જાણે છે. મારામારી કરવામાં તો ભેંસ પણ માણસને હરાવી દે એટલે કંઈ ભેંસ માણસથી મહાન ન બની જાય. તેં તારા શરીરબળથી મને હરાવ્યો, એને હું હાર માનતો જ નથી. તું જો મને ખરેખર હરાવવા માંગતો હોય તો બુદ્ધિબળથી હરાવ.”
- Advertisement -
આ બધી વાતો પેલા પહેલવાનને બરોબરની ચોંટી ગઈ. એણે નક્કી કર્યું કે મારે હવે આ હોશિયાર વિદ્યાર્થીને બુદ્ધિ-બળથી હરાવવો છે. મારે જ્ઞાનવાન બનવું છે; દુનિયા મને મારી દાદાગીરીથી નહીં, પણ બુદ્ધિથી ઓળખે એવું કંઈક કરવું છે. એણે અભ્યાસમાં મન પરોવ્યું. તોફાની છોકરો ડાહ્યો બનીને ભણવામાં લાગી ગયો. લાઇબ્રેરીમાં મોડે સુધી બેસીને અભ્યાસ સિવાયનાં પુસ્તકો પણ વાંચે. એણે શાળાના હોશિયાર વિદ્યાર્થીએ આપેલી ચેલેન્જને સ્વીકારીને પૂરી કરી બતાવી.
એક વખતના આ તોફાની છોકરાનું નામ છે સર આઇઝેક ન્યૂટન. ગુરુત્વાકર્ષણ જેવી અનેકવિધ શોધો દ્વારા પોતાની આગવી ઓળખ ઊભી કરનારા ન્યૂટને સંકલ્પના બળે અને પરિશ્રમના સથવારે એની જિંદગી બદલી નાંખી. માણસમાં અનેક સંભાવનાઓ છુપાયેલી હોય છે; બસ, જરૂર છે યોગ્ય ધ્યેય નક્કી કરીને એ સંભાવનાઓને બહાર લાવવાની.
નિષ્ફળતાના પગથિયાંથી બને સફળતાની સીડી
સોઇચિરો હોન્ડાએ સ્થાપેલી કાર ઉત્પાદન કરનારી કંપની ‘હોન્ડા’ આજે ટોયેટોથી પણ આગળ નીકળી
જાપાનમાં રહેતા સોઇચિરો નામના એક ઇજનેરે કારમાં વપરાતા પિસ્ટનની ખાસ ડિઝાઇન તૈયાર કરી. આ પિસ્ટનની ડિઝાઇન તૈયાર કરવામાં એણે પોતાની જાત હોમી દીધી હતી. રાત-દિવસના ઉજાગરા પછી તૈયાર કરેલી આ ડિઝાઇન સોઇચિરો માટે સર્વસ્વ હતી. પિસ્ટનની ડિઝાઇન લઈને એ તે સમયની કાર ઉત્પાદનમાં અવ્વલ ગણાતી ટોયેટો કંપનીના એન્જિનિયર્સને મળ્યો. સોઇચિરોનું સપનું હતું કે ટોયેટો કંપની એની ડિઝાઇન સ્વીકારે અને ડિઝાઇન મુજબના પિસ્ટન પૂરા પાડવાનો કંપની તરફથી એમને ઓર્ડર મળે. કંપનીના ઇજનેરોએ ડિઝાઇન પર નજર નાંખ્યા વગર જ ડિઝાઇનને રિજેક્ટ કરી દીધી. સોઇચિરો હિંમત હાર્યા વગર વારંવાર કંપનીનો સંપર્ક કરતા રહ્યા. વારંવારના પ્રયત્નોના પરિણામ રૂપે એ ટોયેટો કંપનીના ટોપ મેનેજમેન્ટને મળવામાં અને સમજાવવામાં સફળ રહ્યા. કંપની તરફથી એમની ડિઝાઇન સ્વીકારાઇ અને પિસ્ટન પૂરા પાડવાનો ઓર્ડર અપાયો. સોઇચિરોને પોતાનું સપનું સાકાર થતું હોય એમ લાગ્યું. પોતાની બધી જ સંપત્તિનું રોકાણ કરીને પિસ્ટન બનાવવા માટેની ફેક્ટરી નાંખી. હજુ તો ઉત્પાદન શરૂ થાય એ પહેલાં જાપાનમાં ભયંકર ભૂકંપ આવ્યો અને ઊભી થયેલી ફેક્ટરી જમીનદોસ્ત થઈ ગઈ. ફેક્ટરી પડી ભાંગી પણ સોઇચિરોની હિંમત અણનમ હતી. એણે સગાસંબંધીઓ અને મિત્રો પાસેથી ઉછીનાં નાણાં લઈને ફરીથી નવી ફેક્ટરી ઊભી કરી. ભગવાન પણ જાણે કે એની કસોટી કરતા હોય એમ ફેક્ટરી તૈયાર થઈ તે જ સમયે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું.
- Advertisement -
એક બોમ્બ સોઇચિરોની ફેક્ટરી પર પડયો અને બધું જ ખતમ થઈ ગયું. આ માણસ હિંમત હાર્યા વગર ફરીથી મંડી પડયો. બેંક પાસેથી લોન મેળવીને ત્રીજી વાર ફેક્ટરી ઊભી કરી. પિસ્ટનનું ઉત્પાદન પણ શરૂ થઈ ગયું. પણ હવે એક નવી સમસ્યા આવી. સમયસર પિસ્ટન પૂરા ના પાડવાને કારણે ટોયેટો કંપનીએ પિસ્ટન પૂરા પાડવાનો ઓર્ડર જ રદ કરી દીધો. સોઇચિરોએ પોતાની મુશ્કેલી સમજાવી પણ કંપની તરફથી કોઈ પ્રતિભાવ ન મળતાં પિસ્ટનનો ઉપયોગ કરવા પોતે જ હવે કાર બનાવશે એમ નક્કી કર્યું. આ માટે એણે ઘણો સંઘર્ષ કરવો પડયો પણ પોતાના બનાવેલા પિસ્ટનનો ઉપયોગ કરવા માટે સોઇચિરો હોન્ડાએ સ્થાપેલી કાર ઉત્પાદન કરનારી કંપની ‘હોન્ડા’ આજે ટોયેટોથી પણ આગળ નીકળી. નિષ્ફળતા દરેકના જીવનમાં આવે છે પણ જે માણસ નિષ્ફળતાથી ડરી જવાના બદલે નિષ્ફળતાઓને જ ડરાવી દે છે, એને સફળતા વરમાળા પહેરાવે છે.