ખાસ-ખબર ન્યૂઝ માળિયા
માળિયાના ગ્રામ્ય પંથકમાં રહેતી સગીરા સાથે અનેક વખત શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી અને સગીરાએ બાળકને જન્મ આપ્યા બાદ બાળકનું મૃત્યુ થયું હતું જે દુષ્કર્મ કેસ કોર્ટમાં ચાલી જતા સ્પે. પોક્સો કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો છે
- Advertisement -
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 14-06-2023 ના રોજ માળિયા પોલીસ મથકમાં ભોગ બનનાર સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેની સગીર વયની દીકરીને આરોપી જસમત ગોવિંદ સીતાપરા રહે સુલ્તાનપુર તા. માળિયા વાળાએ એક વર્ષ સુધી શરીર સંબંધ બાંધી પાંચથી છ માસનો ગર્ભ રાખી દીધો હતો અને સગીરાને પેટમાં દુખાવો ઉપડતા બાળકને જન્મ આપ્યો હતો અને જન્મતા સાથે નવજાત શિશુનું મોત થયું હતું જેથી પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો અને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી
જે કેસ સ્પે.પોક્સો કોર્ટ નામદાર અધિક ડીસ્ટ્રીકટ જજ કમલ રસિકલાલ પંડ્યા સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એસ સી દવેએ કોર્ટમાં ધારદાર દલીલો તેમજ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી જસમત ગોવિંદ સીતાપરા (ઉ.વ.28) વાળાને કસુરવાન ઠેરવ્યો છે કોર્ટે આરોપીને દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમો હેઠળ કસુરવાન ઠેરવી 20 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ 10 હજારનો દંડ તેમજ દંડ ના ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ફટકારી છે
તેમજ ગુજરાતની ભોગ બનનારને વળતર માટેની યોજના, 2019 ના નિયમો મુજબ ભોગ બનનારને રૂ 4 લાખ અને આરોપી જે દંડની રકમ રૂ 10 હજાર ભરે તેના સહીત કુલ રૂ 4,10,000 વળતર ચુકવવા હુકમ કર્યો છે



