ગાંધીના ગુજરાતમાંથી એક વધુ પ્રેરણાદાયી પહેલ
સરદાર પટેલના જીવન પર આધારિત પ્રથમ ગુજરાતી ફિલ્મ રિલીઝ માટે તૈયાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ, આ બે મહાન વિભૂતિઓ ગુજરાતની આગવી ઓળખ છે. ગુજરાતમાં જ વિશ્વની સૌથી ઊંચી (182 મીટર) સરદાર સાહેબની પ્રતિમા આજે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બની ચૂકી છે. આ કડીમાં હવે, સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કાર્યો પર આધારિત પ્રથમ ગુજરાતી ફિલ્મ ’મેન ઓફ સ્ટીલ: સરદાર’ રિલીઝ થવા જઈ રહી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી સરદાર પટેલના વિષય પર આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે, જે સપ્ટેમ્બર મહિનામાં સિનેમાઘરોમાં આવશે.
સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારથી લઈને જૂનાગઢને પાકિસ્તાનમાં ભળી જતાં બચાવવા સુધી, અને ભારત દેશને આઝાદી અપાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલનો ફાળો અમૂલ્ય રહ્યો છે.
નવી પેઢી સરદાર સાહેબના આ ભવ્ય વારસાને વધુ ઊંડાણપૂર્વક જાણે તે હેતુથી, ઉપરોક્ત તમામ ઐતિહાસિક ઘટનાઓને સુંદર અને રસપ્રદ રીતે સાંકળીને આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.
‘મેન ઓફ સ્ટીલ: સરદાર’ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન જાણીતા રંગભૂમિ, ટેલિવિઝન અને ફિલ્મોના લેખક-દિગ્દર્શક મિહિર ભૂતાએ ખૂબ જ સુંદર રીતે નિભાવ્યું છે.
આ ફિલ્મના નિર્માતા મયુર કે. બારોટ છે. ફિલ્મનું ટીઝર અને ટ્રેલર પણ ખૂબ જ ટૂંક સમયમાં રિલીઝ થનાર છે, જે દર્શકોમાં ઉત્સુકતા જગાવશે તેવી અપેક્ષા છે. આ ફિલ્મ સરદાર પટેલના જીવનના મહત્ત્વપૂર્ણ પાસાઓને ઉજાગર કરીને નવી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે.