ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે સ્થળ પર પહોંચી ધતિંગ ખુલ્લું પાડ્યું: ભુવાએ ‘ટેક રખાવવાનું’ બંધ કરવા કર્યો ઈન્કાર
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.8
મોરબી જિલ્લાના હળવદમાં ધાંગધ્રા દરવાજા વિસ્તારમાં રહેતા ફિરોઝ સંધિ નામના શખસ સામે મોગલ માતાજીના ભુવા તરીકે ઓળખ આપીને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવા બદલ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે સપાટો બોલાવ્યો છે. જાથાના ચેરમેન જયંત પંડ્યાને આ અંગે ફરિયાદ મળતા ટીમે સ્થળ પર જઈને ફિરોઝ સંધિની ધતિંગ લીલાનો પર્દાફાશ કર્યો છે. ફિરોઝ સંધિ છેલ્લા દસ વર્ષથી ઘરમાં માતાજીનો મઢ નાખીને પોતે ભુવો હોવાનો દાવો કરતો હતો. તે દર રવિવારે અને મંગળવારે દુ:ખી લોકોને જોવાનું, નિસંતાનને સંતાન આપવા માટે માતાજીની પાઠ અને અન્ય ક્રિયાકાંડો કરીને લોકોને ભ્રમમાં નાખવાનું કામ કરતો હતો. તેણે મેરુપરની વાડીના રસ્તેથી માતાજી મળ્યાનો દાવો કરીને મઢની સ્થાપના કરી હતી, જોકે ભુવાના ત્રણ દીકરી અને દીકરા હોવાની જાહેરાત ખોટી સાબિત થઈ છે.
જાથાની ટીમે ફિરોઝ સંધિના ઘરે પહોંચીને તેને અંધશ્રદ્ધા ફેલાવવાનું, લોકોને ભ્રમમાં નાખવાનું અને મોગલ માની માનતા તથા મંગળવારની ટેક રખાવવાનું બંધ કરવા જણાવ્યું હતું. જોકે, ફિરોઝ સંધિએ ’હું કોઈને ના પાડીશ નહીં’ તેમ કહીને સહકાર આપવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.
- Advertisement -
આખરે, વિજ્ઞાન જાથાની મહિલા સભ્ય દ્વારા પોતાની જાતને મોગલ માતાનો ભુવો ગણાવતા ફિરોઝ સંધિ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી છે. હળવદ પોલીસે આ અરજીના આધારે અંધશ્રદ્ધા વિરોધી કાયદા હેઠળ ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે, જેથી અંધશ્રદ્ધા ફેલાવતા તત્વો સામે લાલ આંખ કરી શકાય.