સુરતના શખ્સ પાસેથી ચોરીમાં ગયેલા તમામ 11,655 હીરા કબજે
રાજકોટ અને શાપરમાં 18 ગુનામાં સંડોવણી: બે વખત પાસા તળે જેલયાત્રા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખોડિયાર ડાયમંડ નામના કારખાનમાંથી એકાદ મહિના પૂર્વે થાએક 60.83 લાખના હિરાની ચોરીનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે સુરતના શખ્સને દબોચી લઈ ચોરીમાં ગયેલા તમામ 11,655 હીરા કબજે કર્યા છે આ શખ્સ સામે રાજકોટ અને શાપરમાં ચોરીના 18 ગુના નોંધાઈ ચૂક્યા છે અને બે વખત પાસા તળે જેલયાત્રા પણ કરી ચૂક્યો છે.
- Advertisement -
રાજકોટના ખોડિયાર ડાયમંડમાં પાછળથી ઘૂસેલા તસ્કરે 11,655 હીરાની ચોરી કરી હતી જે અંગે ભક્તિનગર પોલીસમાં ગુનો નોંધાયો હતો આ ગુનો અનડિટેકટ્ હોય ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ આર ગોંડલીયા, ડામોર અને જાદવની જુદી જુદી ટીમો કામે લાગી હતી દરમિયાન પીએસઆઇ મોવલીયા, પીએસઆઇ પરમાર સહિતની ટીમે સીસીટીવી તેમજ હ્યુમન રિસોર્સથી ચોરીને અંજામ આપનાર શખ્સને ટ્રેક કરી દબોચી લીધો છે પોલીસે બાતમી આધારે મૂળ વલસાડના હાલ સુરત રહેતા અજય જગદીશભાઇ નાયકાને દબોચી લઈ તેની પાસેથી ચોરીમાં ગયેલા તમામ 11,655 હીરાના 364 પેકેટ ઉપરાંત ચોરીમાં ઉપયોગમાં લીધેલ માસ્ક, થેલો, મોબાઈલ, ડ્રિલ, ડ્રિલ મશીનના પાનાં, સ્વિચ બોર્ડ, સીસીટીવીનું ડીવીઆર, લોખંડની કોસ, ક્ટર સહિત 61,09,450 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે પકડાયેલ અજય રાજકોટના ભક્તિનગર, આજી ડેમ, એ ડિવિઝન, માલવિયાનગર, ગાંધીગ્રામ, યુનિવર્સિટી, તાલુકા, શાપર પોલીસમાં ચોરીના 18 ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને બે વખત પાસા તળે જેલયાત્રા પણ કરી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.



