ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18
લોકસભા ચૂંટણીમાં પહેલા તબક્કાના મતદાનને હવે બે દિવસનો સમય બાકી છે ત્યારે રામનવમીની પૂર્વ સંધ્યાએ પશ્ચિમ બંગાળમાં રાજકારણ અને ધર્મનો વિવાદ વકર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. પીએમ મોદીએ કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસે બંગાળમાં રામનવમી સમારંભ રોકવા માટે અથાગ પ્રયત્નો કર્યા પરંતુ સત્યનો વિજય થયો.
- Advertisement -
પશ્ચિમ બંગાળના બાલુરઘાટમાં એક ચૂંટણી રેલીને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ પહેલી રામનવમી છે જ્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામલલા વિરાજમાન થઈ ગયા છે. મને ખબર છે કે ટીએમસીએ હંમેશાની જેમ આ વખતે પણ અહીં રામનવમીની ઊજવણીને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સત્યનો વિજય થયો છે. તેથી હાઈકોર્ટની મંજૂરી મળી ગઈ છે અને આવતીકાલે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી રામનવમીની શોભાયાત્રા નીકળશે. પીએમ મોદીએ આ પ્રસંગે રાજ્યના નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યુ ંકે, તૃણમૂલ સરકાર રામનવમીની રેલીઓને મંજૂરી નથી આપતી પરંતુ રામનવમીની રેલીઓ પર પથ્થરમારાને મંજૂરી આપે છે. નોંધનીય છે કે ગયા વર્ષે બંગાળમાં રામનવમીએ રમખાણો ફાટી નીકળ્યા હતા.
પીએમ મોદીએ બંગાળમાં સીએએનો વિરોધ કરવા બદલ તૃણમૂલ સરકારની આકરી ટીકા કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ ઘૂસણખોરોનું સમર્થન કરે છે, પરંતુ શરણાર્થીઓને નાગરિક્તા આપનારા કાયદા ’સીએએ’નો વિરોધ કરે છે. તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળને ઘૂસણખોરો, ગુંડાને પટ્ટા પર આપી દીધા છે. આખા દેશ સંદેશખલીમાં મહિલાઓ સામેના ગૂનાઓથી સ્તબ્ધ છે. તૃણમૂલ કોંગ્રેસના વિરોધ છતાં ભાજપ પશ્ચિમ બંગાળના વિકાસ માટે બધું જ કરશે. વડાપ્રધાન મોદીએ દાવો કર્યો કે, તૃણમૂલના શાસન હેઠળ ભ્રષ્ટાચાર અને ગુનો ’ફૂલ ટાઈમ બિઝનેસ’ બની ગયા છે. બિહારમાં પીએમ મોદીએ બંધારણમાં ફેરફાર કરવાના આક્ષેપોના જવાબમાં કહ્યું હતું કે, તેમને બાબા સાહેબ આંબેડકરના સંવિધાનમાં સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે જ સ્કૂલથી લઈને સુપ્રીમ કોર્ટમાં સંવિધાન દિવસની ઊજવણીની શરૂઆત કરાવી હતી.