જનતાની અનેક રજૂઆતો બહેરા કાને? સાંસદ, ધારાસભ્ય અને કલેક્ટરને અનેક ફરિયાદ છતાં માલિયાસણ ટોલનાકાનું કામ યથાવત્
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર માલિયાસણ ગામ પાસે બની રહેલું નવું ટોલ પ્લાઝા આગામી સમયમાં વિવાદનું કેન્દ્ર બને તેવા સંજોગો સર્જાયા છે. સાંસદ, કલેક્ટર અને ધારાસભ્યોને અનેક રજૂઆતો કરવા છતાં પણ કામગીરી અવિરત ચાલુ રહેતા હવે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી (ગઇંઅઈં) અને સ્ટેટ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરને આ મામલે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. આ ટોલ પ્લાઝા શહેરની સાવ નજીક અને બસ સ્ટેન્ડથી માત્ર 11 કિલોમીટરના અંતરે આવેલું છે. હીરાસર એરપોર્ટ પહેલા જ આ ટોલનાકું આવતું હોવાથી દરરોજ અંદાજે 50,000 જેટલા વાહનચાલકો પર આર્થિક બોજ પડશે. આ સાથે જ શહેરની સીમા પાસે જ ટોલ હોવાને કારણે વાહનોની લાંબી કતારો લાગશે અને પારાવાર ટ્રાફિક સમસ્યા સર્જાવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક વેપારીઓ, ખેડૂતો અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન છેલ્લા 4 વર્ષથી આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. માર્ચ-2026 પહેલા આ ટોલનાકું કાર્યરત કરવાની ગણતરી હોવાથી લોકોમાં ફફડાટ છે. જો આ ટોલનાકું એરપોર્ટ પછી લઈ જવામાં આવે તો સ્થાનિક ટ્રાફિક અને ખેડૂતોને મોટી રાહત મળી શકે તેમ છે. પરંતુ હાલ જે રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું છે તે જોતા સરકાર લોક લાગણી દુભાવી રહી હોવાનું જણાય છે.
સ્થાનિક વેપારીઓ, ખેડૂતો અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન છેલ્લા 4 વર્ષથી આ ટોલ પ્લાઝાનું સ્થળ બદલવાની માગ કરી રહ્યા છે. રજૂઆત છે કે જો આ ટોલનાકું એરપોર્ટ પછી લઈ જવામાં આવે તો સ્થાનિક ટ્રાફિક અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને મોટી રાહત મળી શકે. તેમ છતાં, માર્ચ-2026 સુધીમાં આ ટોલનાકું કાર્યરત કરવાના લક્ષ્યાંક સાથે જે ગતિએ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું છે, તે જોતા સરકાર લોક લાગણીને અવગણી રહી હોય તેવું સ્પષ્ટ જણાય છે.
નેશનલ હાઈવે પર મુસાફરી કરતા લોકો માટે આ ટોલ પ્લાઝા એક વધારાનો કરબોજ બની રહેશે. ખાસ કરીને માલવાહક ટ્રકો અને ખેતીવાડીના વાહનો માટે આ ટોલ આર્થિક રીતે નુકસાનકારક સાબિત થશે. જો તંત્ર દ્વારા લોકહિતમાં આ ટોલનાકાનું સ્થળ બદલવા કે સ્થાનિકોને રાહત આપવા અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં રાજકોટના રાજમાર્ગો પર ઉગ્ર જનઆંદોલન છેડવાની તૈયારીઓ પણ દર્શાવવામાં આવી છે.



