રાપરથી રોકડ ભરેલો થેલો લઈને બસમાં બેઠેલો આંગડિયા પેઢીનો કર્મચારી હોટલે ચા-પાણી પીવા નીચે ઉતર્યો’ને તસ્કરો કળા કરી ગયા!
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી કચ્છ હાઈવે પર માળિયા નજીક આવેલ માધવ હોટલે ઉભી રહેલી બસમાંથી કચ્છના રાપરની આંગડીયા પેઢીનો કર્મચારી તેનો રોકડ ભરેલો થેલો સીટ ઉપર મૂકીને ચા-પાણી પીવા માટે બસ નીચે ઉતરતાં પાછળથી રૂપિયા 62.50 લાખ ભરેલ થેલો અજાણ્યા શખ્સો ઉપાડીને ફરાર થઈ જતાં સનસનાટી મચી જવા પામી છે.
- Advertisement -
આ બનાવ અંગે મળતી માહીતી મુજબ કચ્છના રાપરમાં હનુમાન મંદીરની પાસે રહેતા અને ઈશ્વર બેચર પટેલ આંગડીયા પેઢીમાં કામકાજ કરતા મહાદેવ રામભાઈ વાઘમારે (ઉં.વ. 43) આજે સવારે રાપરથી રાપર-મોરબી-રાજકોટ બસમાં બેસીને મોરબી આવતા હતા તે દરમિયાન બસ માળિયા નજીક હાઈવે ઉપર આવેલ માધવ હોટલે ઉભી રહેતા સૌ મુસાફરોની સાથે આંગડીયા પેઢીના કર્મચારી પણ ચા-પાણી પીવા માટે બસ નીચે ઉતર્યા હતા ત્યારે તેઓએ તેમનો કાળા કલરનો થેલો બસની સીટ ઉપર મુકયો હતો અને તે થેલામાં રોકડા રૂ. 62.50 લાખ હતા. આ રોકડ રકમ ભરેલો થેલો લઈને કોઈ અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. અધધ રકમ ભરેલ થેલો ચોરી થઈ જતા બસને સવારે સીધી જ માળિયા પોલીસ મથકે લઈ જવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતાં જ માળિયા સ્થાનિક પોલીસ અને એલસીબી એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વિધિવત ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા મેળવી ગુન્હાનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી હતી.
- Advertisement -
બે ઈસમ બસમાં હતાં જ્યારે એક શખ્સ બાઈકમાં પાછળ આવ્યો હોવાનો ઘટસ્ફોટ!
માળિયા હાઈવે ઉપર બનેલી ગંભીર ઘટનાને પગલે તુરંત જ સ્થાનિક પોલીસ અને સ્પેશિયલ ટીમોએ હરકતમાં આવીને તપાસનો ધમધમાટ શરૂ કરતા પ્રાથમિક તપાસમાં ત્રણ શખ્સોની સંડોવણી ખુલી છે જેમાં બે ઇસમો બસમાં સાથે મુસાફરી કરતા હોવાનું અને એક શખ્સ પાછળ સ્કુટરમાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. બીજી તરફ હોટલ અને આજુબાજુના સીસીટીવી ચેક કરતા ઈશ્વર બેચર આંગડિયા પેઢીની 62.50 લાખની રોકડ રકમ ભરેલો થેલો લઈ ગઠિયાઓ હળવદ તરફ નાસી ગયાનું બહાર આવતા જીલ્લાભરમાં નાકાબંધી કરી દેવાઈ છે.



