ગેરકાયદે ખોદકામને કારણે 150 વિઘા જમીનમાં ચોમાસાનું પાણી ઘૂસ્યું, ખેતરો ધોવાયા; તંત્રનો ગોળગોળ જવાબ
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
- Advertisement -
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર પંથકમાં ખુલ્લેઆમ ખનિજ ચોરીનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ખનિજ માફિયાઓ દ્વારા ગૌચરની જમીનોમાં ગેરકાયદેસર વાડાઓ વાળીને અનેક જગ્યાએથી ખુલ્લેઆમ માટી ઉપાડવાનું કૌભાંડ ચાલી રહ્યું છે.
આ ગેરકાયદે ખોદકામ અને ઊંડા ખાડાઓને લીધે ચોમાસાનું પાણી આશરે 100 થી 150 વિઘા જેટલી જમીનમાં સીધું ઘૂસી જાય છે. પરિણામે ખેડૂતોના ખેતરોની જમીનો ધોવાઈ જાય છે, જેનાથી તેમને પાક વાવેતરમાં પણ મુશ્કેલીઓ ઊભી થાય છે. આ ગંભીર મામલે વીરપુર ગામના તલાટી મંત્રી અક્ષય રાઠોડને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, “હું અઠવાડિયાની રજા ઉપર છું, હાજર થઈશ ત્યારે કાર્યવાહી કરસું!” જ્યારે જેતપુર ટીડીઓ પી.એસ. ડાંગરે જવાબદારી સરપંચ અને ખાણ ખનીજ અધિકારી પર ઢોળી હતી.
ખેડૂતો અને જાગૃત નાગરિકો દ્વારા તંત્રને તાત્કાલિક આ ખનિજ ચોરો પર કાયદેસરની કાર્યવાહી કરવાની અને પ્રકૃતિને થતું નુકસાન અટકાવવાની ઉગ્ર લોકમાંગ કરવામાં આવી છે.
મામલતદારે જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા
યાત્રાધામ વીરપુર પંથકમાં ખનીજ માફિયાઓ દ્વારા ગૌચર જમીનમાંથી બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે, છતાં તંત્ર મૌન છે. આ અંગે જેતપુર ગ્રામ્ય મામલતદાર આશિષ બાખલખિયાને પૂછતા તેમણે ગૌચરની જવાબદારી પંચાયતની ગણાવીને ટીડીઓ પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. અધિકારીઓના આ વર્તનથી તેમની મિલીભગત હોવાની શંકા ઊભી થઈ છે. લોકો સવાલ કરી રહ્યા છે કે ખનીજ માફિયાઓ સામે ’મૃદુ અને મક્કમ’ સરકાર ક્યારે નક્કર પગલાં લેશે.



