અન્યનાં અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવનાર લઘુ અખબારો ખુદ અન્યાયનો શિકાર!
વર્તમાનપત્ર, વૃત્તપત્ર, સમાચારપત્ર, ચોપાનિયું, છાપું અને અખબાર. આ બધાનું વર્ગીકરણ સ્થાન, આવૃત્તિ, ભાષા, પાનાંની સંખ્યા, નકલની સંખ્યા, પ્રકાશન સમયગાળો, કિંમત અને લવાજમ વગેરેને આધારે થાય છે. આ ઉપરાંત સરકારે અખબારના ફેલાવા પ્રમાણે નાનાં, મધ્યમ, મોટાં એ મુજબ તેના વર્ગો પાડ્યા છે. સરકારે બીજું વર્ગીકરણ પ્રકાશનના કેન્દ્રોની વસ્તી પ્રમાણે કર્યું છે, જાહેરખબર તથા વેચાણની કુલ આવક પ્રમાણે પણ અખબારોના વર્ગ પાડ્યા છે. અખબારોની માલિકીમાં ઈજારાશાહી રોકવા માટે સરકારે ત્રણ વર્ગ બનાવ્યા છે, (1) એક જ કેન્દ્રમાંથી એક જ માલિકીનું એક અખબાર પ્રગટ થાય તેને એક વર્ગમાં મૂકેલું છે. (2) એક જ કેન્દ્રમાંથી એક જ માલિકીનાં એક કરતાં વધુ અખબાર પ્રગટ થાય તેને ગ્રૂપ એટલે કે જૂથ નામ આપ્યું છે. (3) એક કરતાં વધુ કેન્દ્રોમાંથી એક જ માલિકીના અખબારો પ્રગટ થાય તેને ચેઈન અથવા શૃંખલા નામ અપાયું છે. ગુજરાતી પત્રકારત્વમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા ગ્રૂપ – ચેઈન અથવા જૂથ – શૃંખલાના મોટાં તથા મધ્યમ કદના અખબારો બહાર પડે છે. બાકીના એક જ કેન્દ્રમાંથી એક જ માલિકીના અસંખ્ય નાનાં – લઘુ કદના અખબારો બહાર પડે છે. ક્યારેક ગ્રુપ કે ચેઈન અંતર્ગત આવતા મોટાં કે મધ્મમ કદના અખબાર પણ કોઈ કારણોસર લઘુ અખબાર બની જાય છે.
- Advertisement -
લઘુ અખબારો એટલે નાનાં કદના અખબારો. જેનો ફેલાવો 100-200થી લઈ 10-20 હજાર નકલ વચ્ચે હોય છે તેવા અખબારોને લઘુ અખબારો કે નાનાં કદના અખબારો કહી શકાય. ગુજરાતી પત્રકારત્વમાં અસંખ્ય લઘુ અખબારો દૈનિક, સાપ્તાહિક, પખવાડીક કે માસિક સ્વરૂપે પ્રગટ થાય છે. ફૂલ સાઈઝના ચારથી આઠ પાનાંની સંખ્યા ધરાવતા રેગ્યુલર લઘુ અખબારોની કિંમત બેથી ત્રણ રૂપિયા હોય છે. ઘણાબધા લઘુ અખબારો ટેબ્લોઈડ સાઈઝમાં પણ બહાર પડે છે. લઘુ અખબારો મુખ્યત્વે ગ્રામ, તાલુકા, નગર કક્ષાએથી બહાર પડતા હોય છે અને તેમાં સ્થાનિક સમાચારથી લઈ લોકલ ઈન્ફોર્મેશનને ઈમ્પોર્ટન્શ આપવામાં આવે છે. લઘુ અખબારો સ્થાનિક સમાચારને સૌથી વધુ પ્રાધાન્ય આપતા જોવા મળે છે. લઘુ અખબારો વધુ લોકપ્રિય કે જાણીતા ન હોય તેને ફક્ત વાંચકો જ નહીં, જાહેરખબર મળવી પણ મુશ્કેલ હોય છે. તેથી લઘુ અખબારોને ન્યૂઝપેપર પબ્લિશિંગ અને પ્રિન્ટીંગમાં પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે. ગુજરાતી પત્રકારત્વમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના અખબારોની વચ્ચે લઘુ અખબારો એકલદોકલ નહીં, અઢળક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. લઘુ અખબારો પાસે પોતાનું પ્રિન્ટીંગ પ્રેસ હોતું નથી એટલે અખબાર છાપવું મોંઘુ પડે છે. પ્રિન્ટીંગ પછીનો મોટો ખર્ચ છે, પત્રકારોનો પગાર. પત્રકારત્વજગતમાં પ્રવેશનાર દરેક વ્યક્તિ મોટાં કે મધ્યમ અખબારો સાથે જોડાવવા ઈચ્છે છે એટલે લઘુ અખબારોને કાયમી વાંચકો, બધી જાહેરખબરોની જેમ સારા પત્રકારો પણ મળવા મુશ્કેલ હોય છે. વધુ પૈસા આપી અનુભવી પત્રકારોને જાળવી રાખવા પડે છે. કેટલાય કારણોસર મોટાંભાગના લઘુ અખબારો ખોટમાં ચાલતા આવ્યા છે, બારેમાસ નુકસાની કરતા હોય છે. મોટાં કે મધ્યમ અખબારો સામે લઘુ અખબારો ટકી શકતા નથી તે સૌથી મોટાં સનાતન સમાચાર બની ચૂક્યા છે.
ગુજરાતી પત્રકારત્વની શરૂઆતમાં પરિવહનના સાધનો મર્યાદિત હતા ત્યારે લઘુ અખબારોનું પ્રભુત્વ હતું, નાના અખબારો સ્થાનિકસ્તરે મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા હતા. પરંતુ વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારના સાધનોનો વિકાસ થતા તેમજ એક પછી એક અવનવા માધ્યમોની શોધ બાદ સ્થાન, કક્ષા, ભાષાનું અંતર ઘટી ગયું તેથી સ્થાનિકસ્તરના લઘુ – નાના અખબારો મોટા કદ – જૂથના અખબારો સામે દિવસેનેદિવસે પાછળ પડતા ગયા. રાષ્ટ્રીયસ્તર અને રાજ્યસ્તરના મોટાં કે મધ્યમ અખબારોએ નાના અખબારોને એક તરફ ધકેલી દેવાનું કામ કર્યું, જેના કારણે લઘુ અખબારોનું અસ્તિત્વ જ ખતરામાં આવી ગયું. લઘુ અખબારોના અસ્તિત્વ પર સંકટ આવવાનું એક કારણ એ પણ હતું કે, રાષ્ટ્ર અને રાજ્યના કેટલાંક મોટાં – મધ્યમ અખબારોએ રાજ્ય, જિલ્લા, શહેર મુજબ પોતાની અલગ-અલગ આવૃત્તિઓ કે પેઈજ બહાર પાડવાનું શરૂ કર્યું, પરિણામસ્વરૂપે લઘુ અખબારોમાં સ્થાનિક સમાચારોને આપવામાં આવતા વધુ પડતા મહત્વની મોનોપોલી ખતમ થઈ ગઈ. લઘુ અખબારો હાંસિયામાં ધકેલાઈ જવાના બીજા કેટલાંક કારણો પણ છે, એક તો લઘુ અખબારોનો મોટાભાગે પીળું પત્રકારત્વ કરવા માટે દુરુપયોગ થવા લાગ્યો. બીજું કે માત્ર વાર-તહેવાર કે ચૂંટણી પર જ પૈસા કમાવવા લઘુ અખબારો બહાર પડવા લાગ્યા છે અને પછી અદૃશ્ય થઈ જવા માંડ્યા છે. જેના કારણે પણ વાંચકોનો વિશ્વાસ લઘુ અખબારો પર ઓછો થવા લાગ્યો છે. અમુક લઘુ અખબારો દ્વારા પત્રકારત્વના સિદ્ધાંત – આદર્શને નેવે મૂકવાના કારણે તમામ નાના અખબારોની શાખને નુકસાન પહોંચી રહ્યું છે. આ બધાની વચ્ચે પણ હજુ ઘણા એવા લઘુ અખબારો છે જે અનેક મુસીબતો વચ્ચે પત્રકારત્વના સિદ્ધાંત – આદર્શને વળગી માંડમાંડ ટકી રહ્યા છે.
સમયની સાથે અખબારોનું કદ અને ફેલાવવામાં પરિવર્તન આવ્યું છે, સતત અખબારો બદલાઈ રહ્યા છે. મોટાં અને મધ્યમ અખબારોને ખરીદવા માટે મોટીમોટી કંપનીઓ-સંસ્થાઓ વચ્ચે હરિફાઈ જામી છે તો લઘુ અખબારો આ સ્પર્ધા વચ્ચે થાકી, હારી બંધ થઈ રહ્યા છે. એક તરફ લઘુ અખબારો સ્થાનિકસ્તરે લોકોમાં જાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા આવ્યા છે, બીજી તરફ લઘુ અખબારોને પોતાનું અસ્તિત્વ બચાવવા માટે આર્થિક મોરચે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. હવે લઘુ અખબારો ફક્ત તે જ ચલાવી શકે છે જેમની પાસે આવકનું અન્ય કોઈ સાધન છે, અન્યથા લઘુ અખબારને ચલાવવું એ એક મોટો પડકાર છે. અખબાર જેની પર નભે છે તે જાહેરખબર લઘુ અખબારોને મળતી બંધ થઈ ગઈ છે. અન્યના અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવનાર લઘુ અખબારો ખુદ અન્યાયનો શિકાર બની રહ્યા છે. લઘુ અખબારો તરફથી એવો આક્ષેપ કરવામાં આવે છે કે, રાજ્ય સરકારનો માહિતી વિભાગ છેલ્લા કેટલાય સમયથી નાના અખબારો સાથે અન્યાય કરી રહ્યો છે, છેલ્લા કેટલાંક વર્ષોથી મોટાં કે મધ્યમ કદના અખબારોની સરખામણીમાં લઘુ અખબારોને સરકારી જાહેરખબરો ઓછી આપવામાં આવી રહી છે, નાનાં, મધ્યમ અને મોટાં કદના અખબારોને સરકારી જાહેરાત આપવા બાબતે માહિતી વિભાગ તટસ્થ નથી. લઘુ અખબારો સાથે તેમના માલિકો, તંત્રીઓ અને પત્રકારો પ્રત્યે પણ સરકારથી લઈ સૌ કોઈનું વલણ નિરાશાજનક છે. સરકારના બેવડા વલણ, લોકશાહીના ચોથા સ્તંભ પર અવારનવાર થતા હુમલાઓ અને પત્રકારત્વની સ્વતંત્રતા પર મારવામાં આવતી તરાપ વચ્ચે લઘુ અખબારોના માલિકો, તંત્રીઓ, પત્રકારોથી લઈ તેમની સાથે જોડાયેલા સૌકોઈએ સંગઠન બનાવવું જરૂરી છે. નાના-મોટા અખબારો સંગઠન બનાવી આગળ વધશે તો ગુજરાતી પત્રકારત્વ અને પત્રકારોનું હિત જળવાઈ રહેશે. ખાસ તો મરણપથારીએ પડેલા લઘુ અખબારોને નવજીવન મળી રહેશે.
- Advertisement -
વધારો : અખબારો છાપવા માટે ખાસ પ્રકારના કાગળ વપરાય છે, જેને ‘અખબારી કાગળ’ (ન્યૂઝપ્રિન્ટ) કહેવામાં આવે છે. ગુજરાતી પત્રકારત્વના ઠીક બસો વર્ષ બાદ 2022માં માત્ર ગુજરાતી જ નહીં, દુનિયાભરની તમામ ભાષાનાં નાનાં, મધ્યમ અને મોટાં અખબારો કાગળના સંકટનો સામનો કરી રહ્યાં છે. કોરોનાકાળ બાદ એક બાજુ અખબારી કાગળના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ લગાતાર તેની ભારે અછત પણ વર્તાય રહી છે. ભારત તેની જરૂરિયાતનો આશરે 50% અખબારી કાગળ આયાત કરે છે. આયાતી અખબારી કાગળની કિંમત ડિસેમ્બર 2020 સુધી 380થી 400 અમેરિકી ડોલર પ્રતિ મેટ્રિક ટન હતી જે હવે 2022માં 1050થી 1100 અમેરિકી ડોલર પ્રતિ મેટ્રિક ટન થઈ ચૂકી છે. એટલે કે તેના ભાવમાં 175%થી વધુ વધારો નોંધાયો છે. જેના હિસાબે તમામ અખબારના ભાવમાં 25%નો વધારો થયો છે. 2022ના શરૂઆતી મહિનાઓમાં જે મોટાં કદના ગુજરાતી અખબારોની કિંમત ચાર રૂપિયા હતી તે 25%ના વધારા સાથે પાંચ રૂપિયા થઈ ગઈ છે