મહાશિવરાત્રી મેળામાં શિવ ભક્તિ અને સંગીતનો ત્રિવેણી સંગમ યોજાશે
મહાશિવરાત્રી મેળાના સાંસ્કૃતિક મંચ પર જોવા મળશે કલાકારોની મોજ
- Advertisement -
મેળા પૂર્વે સાધુ – સંતોનું આગમન, ભવનાથ તળેટીમાં ધૂણી ધખાવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
મહાશિવરાત્રી મેળા દરમિયાન જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થનાર છે.જેના અનુસંધાને સાંસ્કૃતિક કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. કમિશ્ર્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની સામે, ભવનાથ તળેટી, જૂનાગઢ ખાતે આગામી તા.11 થી 14 ફેબ્રુઆરી સુધી દરરોજ સાંસ્કૃતિક ક્રાયક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. ચાર દિવસીય આ મહોત્સવમાં દેશ-વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત કલાકારો દ્વારા સંગીતમય પ્રસ્તુતિઓ કરવામાં આવશે.આ ઉપરાંત સ્થાનિક કલાકારો દ્વારા પણ ભજન, લોકગીત, સંગીતની પ્રસ્તુતી કરવામાં આવશે. ત્યારે આ બેઠકમાં કલેક્ટરે અધિકારીઓને જરૂૂરી માર્ગદર્શન આપ્યું હતું. આગામી તા. 11 થી 14 ફેબ્રુઆરી સુધી ભવનાથ તળેટીમાં જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની સામે આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ વર્ષે મહોત્સવની વિશેષતા એ છે કે કાર્યક્રમ બે સેશનમાં યોજવામાં આવશે, જેમાં સાંજથી જ સ્થાનિક અને રાષ્ટ્રીય કલાકારો ભક્તિ અને સંગીતની પ્રસ્તુતિ કરશે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ દિવસે તા. 11 ફેબ્રુઆરી ના રોજ રાત્રે પ્રખ્યાત લોક તથા શાસ્ત્રીય ગાયિકા મૈથિલી ઠાકુર પોતાની સુરીલી રજૂઆત કરશે.બીજા દિવસે તા. 12 ફેબ્રુઆરી ના રોજ ભારતના વિખ્યાત પાશ્ર્વ ગાયક સુરેશ વડકર દ્વારા ભક્તિરસભર ગીતોની મનમોહક પ્રસ્તુતિ થશે. ત્રીજા દિવસે તા. 13 ફેબ્રુઆરી ના રોજ પ્રખ્યાત ગાયક પાર્થ ઓઝા દ્વારા લોકસંગીત, સુગમ સંગીત તથા ભજનની રંગારંગ રજૂઆત કરવામાં આવશે. અંતિમ દિવસે તા. 14 ફેબ્રુઆરી 2026ના રોજ કચ્છની કોયલ તરીકે જાણીતા લોકપ્રિય લોકગાયિકા ગીતાબેન રબારી પોતાની લોકપ્રિય લોકસંગીતની પ્રસ્તુતિથી ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરશે. મહાશિવરાત્રી મેળા દરમિયાન આ વખતે સાંસ્કૃતિક કાર્યક્રમ બે સેશનમાં યોજાનાર છે. જેમાં સાંજે સ્થાનિક કલાકારો ભજન, સંતવાણીની પ્રસ્તુતી કરશે. જેમાં તા. 11 ફેબ્રુઆરીના રોજ લોકગાયક દિવ્યેશ જેઠવા, સાગર કાચા, હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા,તા.12 ફેબ્રુઆરીના રોજ લોકગાયક, સંગીતકાર નાણાવટી બ્રધર્સ, વિપુલભાઈ ત્રિવેદી, દર્પિત દવે, લોકગાયક સુશ્રી તરલાબેન સોમાણી,તા.13 ફેબ્રુઆરીના રોજ લોક સાહિત્યકાર હરેશભાઈ સુરુ, જીતુભાઈ દાદ, લોકગાયક સુશ્રી નીરૂબેન દવે, લોકસાહિત્યકાર રાજદાન ગઢવી, તા.14 ના રોજ લોક સાહિત્યકાર શિવરાજ વાળા, અમુદાન ગઢવી, લોક ગાયક દીપકભાઈ જોશી, મયુરભાઈ દવે પોતાની કલાની પ્રસ્તુતી કરીને શ્રોતાગણને મંત્રમુગ્ધ કરશે. આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેકટર સુશ્રી બી.એસ. બારડ, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



