કલેક્ટર કચેરી, પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લા પંચાયત કચેરીના મહિલા અધિકારી/કર્મચારીને માહિતગાર કરાયા
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ
- Advertisement -
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન અનુસાર “નારી વંદન ઉત્સવ”2024 અંતર્ગત તા.06/08/2024ના રોજ “મહિલા કર્મયોગી દિવસ” ઉજવણી કરવામાં આવી હતી. મહિલા કર્મયોગી દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા સેવા સદન-ગીર સોમનાથના સભા ખંડ ખાતે કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતિય સતામણી- અટકાયત, પ્રતિબંધ અને નિવારણ બાબત અધિનિયમ-2013અંગે કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી એમ.જી. વારસુર દ્વારા સમગ્ર કાર્યક્રમની રુપરેખા રજુ કરવામાં આવી હતી અને સમગ્ર સપ્તાહના કાર્યક્રમોની ઉજવણીના મહત્વ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી સોનલબેન રાઠોડ દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-2013 અધિનિયમ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવેલ જેમાં કાયદા અંતર્ગત આંતરિક ફરિયાદ સમિતિ, સ્થાનિક ફરિયાદ સમિતિ, સમિતિની રચના, સમિતિની કામગીરી, કામકાજનું સ્થળ કોને કેહેવાય? કેવા પ્રકારના વર્તનનો જાતિય સતામણીમાં સમાવેશ થાય છે? જાતિય સાતામણી થઈ હોય તેવા સંજોગોમાં કેટલા સમયમાં અને કોને ફરિયાદ કરી શકાય વિગેરે વિશે સમજ આપવામાં આવી હતી.