મહારાષ્ટ્રમાં આગામી માસમાં યોજાનારી ધારાસભા ચૂંટણી પૂર્વે શાસક અને વિપક્ષ બંનેમાં બેઠક સમજૂતી મુદ્દે વિખવાદ
નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ, પ્રદેશ ભાજપ પ્રમુખ અને અજિત પવાર દિલ્હી દોડી ગયા : અમિત શાહ સાથે રાત્રિના બેઠક
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
મહારાષ્ટ્રમાં ધારાસભા ચૂંટણી માટે શાસક મહાયુતિમાં બેઠક સમજુતિ મુદ્ે જબરો ડખ્ખો અને ગઇકાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ અને ભાજપના અન્ય ટોચના નેતાઓ રાતોરાત દિલ્હી દોડી ગયા હતા અને કેન્દ્રીય ગૃહમંત્રી તથા મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપના વ્યૂહો નિશ્ર્ચિત કરી રહેલા અમિત શાહ સાથે મોડી રાત સુધી ચર્ચા કરી હતી. જો કે ગઇકાલે જ મુખ્યમંત્રી એકનાથ શિંદેને દિલ્હી બોલાવાયા હતા પરંતુ તેઓએ પાટનગર જવાનો ઇન્કાર કર્યો હતો એટલું જ નહીં તેઓએ બેઠક સમજુતી મુદ્ે જો સમાધાન ન થાય તો ચૂંટણીમાં પ્રચાર નહીં કરવાની પણ ધમકી આપી હતી ખાસ કરીને મુંબઇ અને થાણા ક્ષેત્રની ચાર બેઠકો માટે ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે જબરી ખેંચતાણ છે. ભાજપે રવિવારે આ બેેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા હતા. કલ્યાણ ઇસ્ટ, થાણે ઉપરાંત નવી મુંબઇ અને મુર્બાદની બેઠક પર શિવસેના શિંદે જુથે દાવો કર્યો છે અને ભાજપ તેમાં મચક નહીં આપતા શિંદે જુથે આકરુ વલણ અપનાવ્યું હતું. તે વચ્ચે દેવેન્દ્ર ફડવીસ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે દિલ્હી દોડી ગયા હતા અને જો શિવસેના શિંદે જુથ આ ધમકી પર અડગ રહે તો મુંબઇની અનેક બેઠકો પર અસર થઇ શકે છે. ભાજપના કલ્યાણ ઇસ્ટના વર્તમાન ધારાસભ્ય ગણપત ગાયકવાડ જેઓ હાલ જેલમાં છે તેના પત્ની સુલભ ગાયકવાડને ટીકીટ આપી છે. તેના પર શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ પરનો ફાયરીંગનો આરોપ છે. બંને નેતાઓ વચ્ચેનો વિવાદ હવે શિવસેના અને ભાજપને અસર કરી રહ્યો છે આ ઉપરાંત થાણેમાં ભાજપે સંજય કેલકરને ઉમેદવાર બનાવતા શિવસૈનિકો તેનાથી નારાજ છે. થાણે એ એકનાથ શિંદેનો ગઢ છે અને ત્યાં ભાજપ ઉમેદવાર ઉતારે તેની સામે વિરોધ છે. આવો જ વિવાદ નવી મુંબઇ અને અન્ય બેઠક પર છે રાજ્યમાં ભાજપ 160 બેઠકો લડવા માંગે છે. પરંતુ હજુ 106 બેઠકો પર જ સમજૂતી થઇ રહી છે અજીત પવાર પણ તે વચ્ચે દિલ્હી પહોંચી ગયા હતા અને તેઓ અમિત શાહને મળ્યા હતા આમ એકનાથ શિંદે જુથને એવો સંદેશ મળ્યો છે કે ભાજપ અને અજિત પવાર સાથે રહીને શિંદે જુથનો કાંટો કાઢવા માંગે છે.
મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર આવશે: સંઘનો સરવે
મહારાષ્ટ્રમાં આગામી સમયમાં યોજાનારી ધારાસભા ચૂંટણી પૂર્વે આરએસએસ પણ સક્રિય બની ગયું છે અને હાલમાં જ સંઘે કરેલા એક સર્વેમાં મહારાષ્ટ્રમાં ભાજપ અને તેના સાથી પક્ષો માટે ઓલ-વેલની સ્થિતિ હોવાનું તારણ આપ્યું છે. સંઘના સુત્રોએ જણાવ્યું હતું કે માહોલ જાણવા આ સર્વે કરાયો હતો અને તેમાં તમામ 288 બેઠક આવરી લેવાય હતી જેમાં મહાયુતિને 160 બેઠકો મળશે તેવું તારણ મળ્યું છે. ભાજપને 90 થી 95, શિવસેના શિંદુ જુથને 40 થી 50 અને અજિત પવાર-એનસીપીને 25 થી 30 બેઠકોનો અંદાજ મુકવામાં આવ્યો છે. સંઘે ઓક્ટોબરના બીજા સપ્તાહમાં આ સર્વે કર્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
રાજ ઠાકરે પણ ‘ભાગ’ માંગ્યો: શિવસેના-ભાજપ વચ્ચે મુંબઇ પર વર્ચસ્વની લડાઇમાં નવી એન્ટ્રી
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં ઠાકરે પરિવારથી અલગ પડેલા રાજ ઠાકરેના પક્ષે પણ ઝંપલાવ્યું છે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાએ તેના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડતા જ શિવસેના શિંદે જુથ અને ભાજપ બંને ભડકી ગયા હતા અને ગઇકાલે જ મુંબઇની એક ફાઇવ સ્ટાર હોટલમાં મુખ્યમંત્રી શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ અને મહારાષ્ટ્ર નવ નિર્માણના વડા રાજ ઠાકરે વચ્ચે બેઠક યોજાઇ હતી. રાજ ઠાકરેના પુત્ર માહિમમાંથી ચૂંટણી લડી રહ્યા છે આ ઉપરાંત વરલી, શિવાડી સહિતની બેઠકો પર પણ તેને દાવો કર્યો છે. એક તરફ મહાયુતિમાં વિખવાદ છે અને ખાસ કરીને મુંબઇ એ તમામ પક્ષો માટે હોટ પ્રોપર્ટી બની ગયું છે. ત્યારે શિવસેના શિંદે જુથ પણ મુંબઇ પર વર્ચસ્વ માંગે છે. ખાસ કરીને મુંબઇ મહાનગર પાલિકાની ચૂંટણી બેક ટુ બેક આવી રહી છે અને દેશનું સૌથી મોટું મહાનગર પાલિકા બજેટ ધરાવતા મુંબઇ મહાપાલિકામાં કબજો કરવા માટે તમામ પક્ષો આતુર છે.
- Advertisement -