શહેરમાં વિન્ટેજ સહિત 108થી વધુ સુશોભિત કાર સાથે ધર્મયાત્રા નીકળી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં મહાવીરજયંતીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. રાજકોટમાં જૈન સમાજના ચારેય ફિરકાઓ દ્વારા મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામા આવી હતી. જૈનમ દ્વારા આયોજિત વિશાળ ધર્મયાત્રાનું આજે (10 એપ્રિલ) સવારે 8 વાગ્યે મણિયાર દેરાસરથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ધીરજમુનિની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવ્યું હતું.
આ ધર્મયાત્રામાં ભગવાન મહાવીર સ્વામીનો મુખ્ય રથ અને 27 આકર્ષક ફ્લોટ્સ હતાં. જેમાં વિન્ટેજ સહિત 108થી વધુ સુશોભિત કાર, 252 સ્કૂટર અને બાઇક, 251થી વધુ પ્રસંગોને અનુરૂપ વેશભૂષા ધારણ કરેલાં બાળકો ઉપરાંત રાસ મંડળી, બેન્ડ, બગી, કળશધારી બહેનોએ આકર્ષણ જગાવ્યું હતું.
કોઠારિયા નાકા રોડ ઉપર વિરાણી પૌષધ શાળામાં બપોરે 12 વાગ્યે ધર્મયાત્રા સમાપન બાદ ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે 1000થી વધુ જૈન શ્રાવક-શ્રાવિકાઓ ગૌતમ પ્રસાદ ગ્રહણ કરશે.
રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય અને જૈન સમાજનાં અગ્રણી ડો. દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, આજે મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવ છે ત્યારે સૌ જૈન સમાજને તેની શુભેચ્છા. જૈન સમાજના ચારે ફિરકાઓ દ્વારા આજે ખૂબ જ મોટી ધર્મયાત્રા નીકળી રહી છે. અલગ અલગ 9 જગ્યાએ જૈન ધર્મને રજૂ કરતી કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી છે.
કૃતિઓ થકી મહાવીર સ્વામીનો અહિંસા, પ્રેમ, કરુણા અને જીવદયાનો સંદેશો આપવામાં આવશે. મહાવીર સ્વામીનો વસુધૈવ કુટુંબકમ અને વિશ્વશાંતિનો સંદેશો છે ત્યારે એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્રની ભૂમિકા દર્શાવવા દેશભક્તિનો રંગ પણ આ ધર્મયાત્રામાં જોવા મળી રહ્યો છે. અન્ય જૈન અગ્રણી મયૂર શાહે જણાવ્યું હતું કે, મહાવીર સ્વામી જન્મકલ્યાણ મહોત્સવ નિમિત્તે જૈનમ દ્વારા ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી છે. મણિયાર દેરાસરથી આ રથયાત્રાની શુભ શરૂઆત થઈ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ધીરજમુનિ મ.સા. સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ધર્મયાત્રામાં વિન્ટેજ કાર પણ રાખવામાં આવેલી છે અને બાળકો અલગ અલગ વેશભૂષામાં તૈયાર થયાં છે અને આ રીતે મહાવીર સ્વામીના જીવન પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા છે.