ભુવન વ્યાસ પાસે છેતરપિંડી કરવાનો પરવાનો
મેંદરડામાં શ્રીજી ક્રેડિટ કો.ઓ.સો.ના નામે કરોડોની ઠગાઈ કરી હતી
લોકોને વિશ્વાસમાં લઈ ખાતાની ચોપડીઓ પરત મેળવી પુરાવા કબ્જે કર્યા
ફરી કરોડો રૂપિયા એકત્ર કરવાની વેતરણ? શું પલાયન થવાના ફિરાકમાં?
મહાઠગે હથિયારધારી બોડીગાર્ડ રાખ્યો: લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો
જૂનાગઢના ઝાંઝરડા રોડે ફરી શ્રીજી ક્રેડિટ કો.ઓ. સોસાયટી ધમધમે છે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં શ્રીજી ક્રેડિટ કો.ઓ. સોસાયટીએ ફૂલેકુ ફેરવી દીધું છે અને લોકોને રાતા પાણીએ રોવાનો સમય આવ્યો છે. મેંદરડા સહિત જૂનાગઢ જિલ્લાનો મહાઠગ ભુવન વ્યાસે ફરી લોકોને લૂંટવા ઝાંઝરડા રોડ પર ફરી ઓફિસ શરૂ કરી દીધી છે. મેંદરડામાં કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવનાર મહાઠગ ભુવન વ્યાસ લોકોને પોતાની માયાજાળમાં ફસાવી રહ્યો છે. મેંદરડામાં લોકોના રૂપિયા ડુબ્યા બાદ વિવાદ થયો હતો અને આ પ્રકરણ પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું પરંતુ મહાઠગ ભુવન વ્યાસ તેમાંથી પણ છુટી ગયો હતો. હવે લોકોને લોભામણી લાલચ આપી રહ્યો છે. જે લોકોના રૂપિયા ડુબ્યા છે તેની પાસેથી શ્રીજી ક્રેડિટ કો.ઓ. સોસાયટીની ચોપડીઓ મેળવી લીધી છે અને 6 મહિનામાં રૂપિયા પરત કરવાની લાલચ આપી છે.
ચોપડીઓ મેળવવા પાછળ પોતાના વિરૂદ્ધના પુરાવા કબ્જે કરવાની મહાઠગની ચાલ છે. બાદ કાયદાકીય આંટીઘુંટીમાંથી બચવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. પ્રજાને આવા ઠગાઈના કિસ્સાઓ દેશભરમાં રોજબરોજની જિંદગીમાં સામાન્ય થઈ ગયા છે. સરકાર આવા ઠગો સામે પગલાં લેવાના બદલે લોકોને લૂંટવાનો પરવાનગી આપી રહી છે તેનુ જાગતુ ઉદાહરણ મહાઠગ ભુવન વ્યાસ છે. મેંદરડામાં લોકોને ઠગ્યા બાદ જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પર ફરી બેંક શરૂ કરી છે અને ફરી લોકોને લૂંટવા બેસી ગયો છે. મહાઠગ સામે ફરિયાદો ઉઠી હોવા છતાં કાયદાની છટકબારી શોધી છૂટી જતા હોય છે.
કૌભાંડીયાઓ સામે કાયદો કડક કરો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આવા આર્થિક કૌભાંડીયાઓ સામે લોકોને રક્ષણ મળે તે માટે કડક કાયદો બનાવવો જોઈએ. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જમીન માફીયાઓ સામે લેન્ડગ્રેબિંગનો કાયદો બનાવ્યો હતો તેવો કાયદો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ કડક કાયદો બનાવવો જોઈએ જેથી સામાન્ય પ્રજાને આર્થિક કૌભાંડીયાઓથી રક્ષણ મળી શકે.
- Advertisement -
આત્મહત્યા સુધીના પગલાં ભરવા પડે
મહાઠગના કારણે લોકોની મરણ મૂડી જતી રહેતી હોય છે જેના પરિણામ સ્વરૂપે લોકોને આત્મહત્યા કરવા સુધીના પગલાં ભરવા પડે છે. શ્રીજી ક્રેડિટ કો. સોસાયટીના કૌભાંડ પ્રકરણમાં પણ એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી છે.
ઉઘરાણીના ફોન કરે તો વાયદા
મહાઠગને કોઈ વ્યક્તિ ફોન કરી ઉઘરાણી કરે તો રૂપિયા આપી દેવાના વાયદા કરે છે અને ફરી મોટી રકમ ભેગી કરવાની વેતરણ મહાઠગ કરી રહ્યો છે.
શું બે મહિનામાં લોટરી લાગશે?
મહાઠગ ભુવન વ્યાસ લોકોને બે મહિનાના વાયદા કરી રહ્યો છે ત્યારે સવાલ ઉભો થાય છે કે બે મહિનામાં એવું તો શું થશે કે લોકોના રૂપિયા પરત કરી દેશે, શું બે મહિનામાં લોટરી લાગવાની છે?
લોકોને લેખિત બાંહેધરી આપી
મેંદરડા સહિત જિલ્લામાં શ્રીજી ક્રેડિટ કો.ઓ. સો. સાથે જોડાયેલ લોકોને લેખિતમાં બાંહેધરી આપી છે અને છ મહિનામાં રૂપિયા આપવાની વાત કરી છે.
રૂપિયાની લાલચમાં લોકો ફરિયાદ નથી કરતા
મહાઠગ ભુવન વ્યાસે રૂપિયા મળી જવાની લોકોને લાલચ આપી છે, જેના કારણે લોકો ફરિયાદ કરતા નથી અને વિશ્ર્વાસમાં આવી રાહ જોઈ રહ્યા છે.
મહાઠગને પરવાનગી કોણે આપી?
મેંદરડામાં લોકોને રાતા પાણીએ રોવડાવ્યા બાદ જૂનાગઢમાં ફરી શાખા શરૂ કરવા મહાઠગને પરવાનગી કોણે આપી? શું તંત્ર પણ આની સાથે મળેલું છે? તેવા સવાલો ઉભા થયા છે.
લોકોને ડરાવવા બોડીગાર્ડ રાખ્યો
મહાઠગ ભુવન વ્યાસે હથિયારધારી બોડીગાર્ડ પણ રાખ્યો છે જેથી કરીને લોકોને ડરાવી શકાય અને લોકો તેની પાસે ઉઘરાવી શકે નહીં.