6 દિ’પુર્વે જેતપુરની ભાદર કેનાલમાં હાથ-પગ દોરીથી બાંધેલ હાલતમાં બીલખાના ચોરવડી નજીકના મંદિરના મહંતની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી’તી.
પોલીસ જો ઉડાણપૂર્વક તપાસ કરે તો આ હત્યાકાંડમાં સુત્રોમાંથી મળતી વિગતો મુજબ બિલખાનું જમીન પ્રકરણ કારણભૂત મનાઇ રહ્યું છે.
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
6 દિ’ પુર્વે જેતપુર પાસે ભાદર નદીના કેનાલમાંથી બિલખાના ચોરવડી ગામ નજીકના ખાખરીયા મંદિરના મહંત રૂદ્રાનંદગીરીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળ્યાની રહસ્યમય ઘટનાનો રૂરલ પોલીસે ભેદ ઉકેલી નાખી મહંતની હત્યા કરનાર ગોંડલના સુલતાન પુરના 4 શખ્સોને ઝડપી લીધા છે. બે લાખની ઉઘરાણીમાં મહંતનું ઢીમ ઢાળી દેવાયાનું ખુલ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 4-3ના રોજ જેતપુર પાસે ભાદર નદીના કેનાલમાંથી હાથ-પગ દોરીથી બાંધેલ હાલતમાં અજાણ્યા સાધુની લાશ મળી આવી હતી.
પોલીસ તપાસમાં મૃતક સાધુ બિલખાના ચોરવડી ગામની સીમમાં આવેલ ખડખડીયા મહાદેવ મંદિરના સાધુ રૂદ્રાનંદગીરીની હોવાનું અને તેની હત્યા થયાનું જાહેર થતા જેતપુર પોલીસ મથકમાં અજાણ્યા આરોપીઓ સામે હત્યાનો ગુન્હો દાખલ કરાયો હતો. દરમિયાન આ રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલવા રેન્જ ડીઆઇજીપી સંદીપસિંહ તથા એસપી બલરામ મીણાના માર્ગદર્શ ન હેઠળ તેમજ જેતપુરના એસપી સાગર બાગમાર તથા ડીવાયએસપી મહર્ષી રાવલના સુપરવીઝન હેઠળ રૂરલ ક્રાઇમ બ્રાન્ચ, રૂરલ એસઓજી તથા જેતપુર પોલીસની અલગ-અલગ 3 ટીમો બનાવાઇ હતી. આ ત્રણેય ટીમોએ બનાવવાળી જગ્યાની તેમજ રૂટમાં આવતા સીસીટીવી ફુટેજ ચેક કરતા એક સફેદ કલરની સ્વીફટ કાર નં. જીજે ર4 એએ-0363ની રાત્રીના સમયે શંકાસ્પદ હીલચાલ જણાતા સદરહું કાર અંગે તપાસ કરાતા આ કાર જયેશ ગૌરીશંકર દવે, રહે. મૂળ સુલતાનપુર, હાલ ગોપાલનગર રાજકોટવાળાની હોવાનું ખુલતા જયેશ દવેની શોધખોળ હાથ ધરાઇ હતી. એ દરમિયાન જયેશ દવે તથા દર્શક ઉર્ફે દર્શન રતીલાલ દેગામા, દિનેશ છગનભાઇ ભાદાણી, વિજય ઉર્ફે કાળુ પરસોતમ વઘાસીયા(રહે. ચારેય સુલતાનપુર, તા.ગોંડલ) કારમાં ભાગવાની પેરવીમાં હતા. ત્યારે ગોંડલ -મોવીયા ચોકડી પાસેથી ઉકત ચારેયને રૂરલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ અજયસિંહ ગોહીલ તથા ટીમે દબોચી લીધા હતા.
- Advertisement -
હત્યાનો આરોપી જયેશ દવે રાજકોટ કલેકટર કચેરીમાં સખી મંડળના નામે બોગસ કેન્ટિંગ ચલાવે છે!

ઉકત ચારેય શખ્સોની પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા ચારેય પોલીસ સમક્ષ પોપટ બની ગયા હતા. પકડાયેલ ચાર આરોપીઓ પૈકી વિજય ઉર્ફે કાળુ વઘાસીયાને દમની બિમારી હોય અને તેને એલોપેથી દવા મોંઘી પડતી હોય તે આયુર્વેદીક દવા માટે મહંત રૂદ્રાનંદ ગીરી બાપુ પાસે જતો હતો. તે દરમિયાન બંન્ને વચ્ચે સારો પરીચય થઇ જતા વિજય વઘાસીયાએ રૂદ્રાનંદ ગીરી બાપુને શેરબજારમાં રોકાણ કરવા માટે અઢી લાખ રૂપીયા આપ્યા હતા. જે પૈકી પ0 હજાર રૂદ્રાનંદગીરીબાપુએ પરત આપી દીધેલ અને બાકીના બે લાખ લેવાના બાકી હોય જે ઉઘરાણી કરવા છતા રૂદ્રાનંદગીરી બાપુ આપતા ન હોય બનાવના દિવસે વિજય તેના ઉકત ત્રણેય મિત્રો સાથે મળી કારમાં મંદિરે ગયા હતા અને ત્યાં ઉઘરાણી બાબતે મહંત રૂદ્રાનંદ ગીરી બાપુ સાથે ઝઘડો થતા વિજય અને તેના મિત્રોએ ગળેટુંપો આપી મોતને ઘાટ ઉતારી રૂદ્રાનંદગીરી બાપુની લાશને બોરડી-સમઢીયાળા પાસે કેનાલમાં ફેંકી દીધી હોવાની કબુલાત આપી હતી. દરમિયાન પોલીસ જો ઉડાણપૂર્વક તપાસ કરે તો આ હત્યાકાંડમાં સુત્રોમાંથી મળતી વિગતો મુજબ બિલખાનું જમીન પ્રકરણ કારણભૂત મનાઇ રહ્યું છે. રહસ્યમયી આ હત્યાનો ભેદ ઉકેલવામાં રૂરલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એસ.એ.રાણા, રૂરલ એસઓજીના પીએસઆઇ એચ.એમ.રાણા, રૂરલ ક્રાઇમ બ્રાંચના એએસઆઇ મહેશભાઇ જાની સહીતનો સ્ટાફ જોડાયો હતો.
મહંતે આરોપી વિજયને અઢી લાખના ડબલ રૂપિયા કરી દેવાની લાલચ આપી’તી
જેતપુર પાસે મહંત રૂદ્રાનંદગીરીની હત્યાનો રૂરલ પોલીસે ભેદ ઉકેલી નાખી સુલતાનપુરના ચાર શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓની પોલીસ પુછતાછમાં ચોંકાવનારી વિગતો ખુલી રહી છે. પકડાયેલ ચાર આરોપીઓ પૈકી વિજય વઘાસીયાને રૂદ્રાનંદગીરી બાપુએ શેરબજારમાં ડબલ રૂપીયા થઇ જાશે તેવી લાલચ આપી અઢી લાખ રૂપીયા વિજય પાસેથી લીધા હતા. થોડા સમય પછી મહંત રૂદ્રાનંદગીરીએ અઢી લાખ પૈકી પ0 હજાર વિજયને પાછા આપી દીધા હતા. બાકીના ર લાખની ઉઘરાણી માટે વિજય મહંત રૂદ્રાનંદગીરીને સતત ફોન કરતો હતો. પરંતુ મહંત થોડા સમયમાં રૂપીયા આપી દઇશ તેવું કહેતા હતા. દરમિયાન વિજય વઘાસીયા બે લાખની ઉઘરાણી માટે સતત ફોન કરતો હોય મહંત રૂદ્રાનંદગીરીએ વિજયનો મોબાઇલ નંબર બ્લોકમાં કરી નાખતા વિજય ઉશ્કેરાયો હતો અને તેના મિત્રોને વાત કરતા મિત્રો જયેશ, દર્શક અને દિનેશ સાથે મંદિરે ગયા હતા. જયાં ઉઘરાણી પ્રશ્ને મહંત રૂદ્રાનંદગીરી સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી. બાદમાં તેને ગળાટુંપો આપી લાશ તેની જ કારમાં નાખી બોરડી-સમઢીયાળા પાસે જેતપુરની ભાદર નદીના કેનાલમાં નાખી દીધી હતી.


