વિકાસ કમિશનરના પરિપત્ર સામે તલાટીઓએ ‘નનૈયો’ ભણી દીધો
પરિપત્ર પરત ખેંચવાની માંગ, ન ખેંચાય તો કામગીરી ન કરવાની ચીમકી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત રાજ્યના વિકાસ કમિશનર દ્વારા ગત તા. 24 નવેમ્બરના રોજ પરિપત્ર જારી કરીને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા કૂતરાંઓને પકડવાની અને તેનો યોગ્ય નિકાલ કરવાની કામગીરી તલાટી કમ મંત્રીઓને સોંપવામાં આવતા ભારે વિવાદ ઊભો થયો છે. ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળે આ પરિપત્ર સામે બાંયો ચડાવી છે અને મુખ્યમંત્રી સહિત પંચાયત વિભાગના મંત્રીઓ અને અધિકારીઓને આવેદનપત્ર પાઠવીને આ કામગીરી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
મહામંડળના પ્રમુખ પંકજ મોદી, મહામંત્રી રામભાઇ દેસાઇ અને ઉપપ્રમુખ ચિરાગ ગેરૈયાએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, તલાટી કમ મંત્રીઓ ગ્રામપંચાયતના વહીવટ, રેવન્યુ કામગીરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જન્મ-મૃત્યુ નોંધણી, લગ્ન નોંધણી અને વિવિધ શાસકીય યોજનાઓ સહિત બહુવિધ જવાબદારીઓ સંભાળતા હોય છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તેમને એકથી વધુ ગામડાંની જવાબદારી સોંપાયેલ હોવાથી કામનું ભારણ પહેલેથી જ વિશાળ છે.
મહામંડળે રજૂઆત કરી હતી કે, જિલ્લા કક્ષાએ પશુ નિયામક અધિકારી અને તાલુકા કક્ષાએ પશુ ચિકિત્સકને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે પશુઓ સંબંધિત કોઈપણ પ્રકારનું કાર્ય કૌશલ્ય, અનુભવ કે તાલીમ ન ધરાવતા તલાટી કમ મંત્રીઓને કૂતરાં પકડવાની ટેક્નિકલ કામગીરી સોંપવી યોગ્ય નથી. આ પ્રકારની કામગીરીથી ગ્રામ્ય કર્મચારીઓની હાંસી-મજાક થાય છે અને સોશિયલ મીડિયામાં પણ નકારાત્મક પ્રતિસાદ જોવા મળે છે, જે સરકારની પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચાડી શકે છે.
તલાટી મહામંડળે માગણી કરી છે કે, આ પરિપત્ર તાત્કાલિક પરત ખેંચી લેવામાં આવે, જેથી તલાટી કમ મંત્રીઓની માન-મર્યાદા, પ્રતિષ્ઠા અને મનોબળ જળવાઈ રહે. મહામંડળે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે, જો પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે તો પણ તલાટી કમ મંત્રીઓ દ્વારા આ કામગીરી અમલમાં મૂકવામાં આવશે નહીં.
વધુમાં, આવનારા સમયમાં તલાટી કમ મંત્રીઓને હાંસીપાત્ર બનાવે અથવા ક્ષોભજનક સ્થિતિમાં મૂકે તેવા કોઈ પણ પરિપત્ર બહાર પાડવામાં આવશે તો સમગ્ર ગુજરાત રાજ્યના તલાટી કમ મંત્રીઓ મહામંડળના નેજા હેઠળ વિકાસ કમિશનર કચેરી આગળ ધરણાં-પ્રદર્શન કરશે, તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.



