વસંતપંચમીના વધુ એક અમૃત સ્નાન માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ
આગામી દિવસોમાં વધુ લાખો શ્રદ્ધાળુઓ મહાકુંભમાં પહોંચે તેવી ધારણાએ શ્રેણીબદ્ધ પગલા: કુંભ માર્ગ પરના ફેરીયા – લારી ગલ્લાને ખાસ ઝોનમાં ખસેડી માર્ગો ખુલ્લા કરાવાયા
સ્નાન માટે આવતા – જતા શ્રદ્ધાળુઓની સંખ્યા નિયંત્રીત કરવા રેલવે – બસ સહિતના સ્ટેશનો – કુંભ એન્ટ્રી પોઈન્ટ પર હોલ્ડીંગ એરીયા: તમામ આવાગમન – વન – વે: એક સાથે ધસારો ટાળવા પગલા
- Advertisement -
વિશ્વના સૌથી મોટા ધાર્મિક આયોજન મહાકુંભમાં ગઈકાલે સર્જાયેલી દુર્ઘટનામાં 30 લોકોના ભોગ લેવાયા બાદ હવે ઉતર પ્રદેશ સરકારે શ્રેણીબદ્ધ પગલાઓની જાહેરાત કરીને શ્રદ્ધાળુઓની સુરક્ષા વધારવાની તૈયારી કરી છે. ખાસ કરીને જે રીતે કુંભ સ્નાન માટે વીઆઈપી અને વીવીઆઈપી માટે ખાસ પાસ ઈસ્યુ કરાયા હતા તથા તેમના આવાગમન માટે ખાસ રૂટને રદ કરીને તમામ માર્ગો વન-વે કરી દીધા છે જેનાથી શ્રદ્ધાળુઓ સામસામા આવ્યા વગર જ સીધુ આવાગમન કરી શકશે.
ગઈકાલની ટ્રેજેડી બાદ મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ દિવસભર અધિકારીઓ સાથે બેઠકો યોજીને મહાકુંભને વધુ સુરક્ષિત કરવા માટેના ઉપાયોનો આદેશ આપ્યો હતો. યોગીએ પ્રયાગરાજ ઉપરાંત વારાણસી-અયોધ્યા સહિતના જીલ્લા કલેકટરો અને સંબંધીત અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. મહત્વના કદમમાં હવે મહાકુંભ મેળામાં આવાગમનના બેરીકેટ વન-વે કરી દીધા છે. જેથી શ્રદ્ધાળુઓનો પ્રવાહ સરળતાથી આવાગમન કરી શકશે તો બન્ને તરફ તથા રેલ્વે, બસસ્ટેશન કે યાત્રાળુઓના આવાગમન પોઈન્ટ પર ‘હોલ્ડીંગ-પોઈન્ટ’ ઉભા કરવા આદેશ અપાયા છે.
જેમાં યાત્રાઓના પ્રવાહને નિયંત્રીત કરી શકાશે. મહાકુંભ એરીયામાં તમામ પ્રકારના વાહનો માટે હવે નો-એન્ટ્રી કરી દેવામાં આવી છે અને પ્રયાગરાજમાં હવે તા.4 ફેબ્રુઆરી સુધી ફોરવ્હીલ વાહનોને એન્ટ્રી અપાશે નહી. મહાકુંભ તથા પ્રયાગરાજના માર્ગો પર જે રીતે ફેરીયાઓ તથા લારી-ગલ્લા ખડકાઈ ગયા છે. તેનાથી તમામ માર્ગો પર આવાગમનમાં મોટુ વિધ્ન સર્જાયુ છે. તેઓને હવે ખાલી સ્થાનના ખાસ એરીયામાં ખસેડાશે. પોલીસ સહિતના વાહનોથી પણ ટ્રાફીક બ્લોક થાય નહી તે નિશ્ચિત કરવા જણાવાયુ છે. હોલ્ડીંગ એરીયામાં જે લોકોને રોકી રખાશે તેને તંત્ર તરફથી પાણી વિ. વ્યવસ્થા તથા વાજબી ભાવે ખાદ્ય પેકેટ અપાશે.
- Advertisement -
પ્રયાગરાજ રેલ્વે સ્ટેશન પર પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરત જવા માટે તૈયાર છે. તેઓને માટે ખાસ વધારાની ટ્રેનો-બસો દોડાવીને જીલ્લા બહાર સુધી જઈ શકે તે વ્યવસ્થા કરાશે. હવે તા.3ના વસંતપંચમીના દિને વધુ એક અમૃત સ્નાન યોજાશે. તે સમયે પણ ભારે ભીડ હોવાની ધારણા છે. રેલવેએ પણ વળતી મુસાફરીને માટે મહાકુંભ આવતી અનેક ટ્રેનો રદ કરી છે અને તેના બદલે પ્રયાગરાજથી વધુ ટ્રેનો દેશભરમાં રવાના થાય તે જોવા ખાસ તૈયારી કરી છે. ગઈકાલથી 150 જેટલી ટ્રેનો પ્રયાગરાજ સ્ટેશનેથી રવાના કરવામાં આવી હતી. તા.4 સુધી તમામ વીવીઆઈપી પ્રોટોકોલ રદ કરાયા છે. તા.26 ફેબ્રુઆરીના મહાકુંભનો આખરી દિવસ છે ત્યાં સુધી રાજયના તમામ કર્મચારીઓની રજા રદ કરીને સતત ફરજ પર રહેવા આદેશ અપાયો છે.