પરિપ્રેક્ષ્ય: સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન: ‘સંકલ્પહિન મનુષ્યોની બુદ્ધિ ઘણી શાખાઓમાં વિભાજીત હોય છે.’ – શ્રીકૃષ્ણ (ભગવદગીતા)
મહાભારત પરથી ઘણી કૃતિઓ બની ગઈ છે અને બનતી રહેશે પણ અહીં વાત કરવી છે એક ઓફબીટ સર્જનની. મહાભારતનું ઘણું ડાર્ક કહી શકાય એવું નિરૂપણ આ ગદ્ય પદ્ય મિશ્રિત નાટકમાં છે. તેના સર્જક છે હિન્દી સાહિત્યના બહુ પ્રખ્યાત એવા નાટ્યકાર-નવલકથાકાર ધર્મવીર ભારતી. અંધાયુગ એ નિરાશાના કાળા સમુદ્રના ઊંડાણમાં જઈને આશાના અમુક મોતીઓ વીણવાનું કામ કરે છે. જોકે, કૃતિ સાવ નાની છે ગણીને 108 પેજની. તેમ છતાં પણ વાંચતી વખતે મન પાસે બહુ કવાયત કરાવે છે; મન નિરાશાની ગર્તામાં જતું રહે એવું પણ બને અને એ જ નાટ્યકારની કુશળતા દર્શાવે છે.
મહાભારતના અઢારમા દિવસથી લઈને કૃષ્ણના નિર્વાણ સુધીનો સમયગાળો અહી વર્ણવવામાં આવ્યો છે. ગાંધારી, ધૃતરાષ્ટ્ર, સંજય, યુયુત્સુ, કૃપાચાર્ય, કૃતવર્મા જેવા પાત્રો છે અને તેમાં મુખ્ય પાત્ર છે અંધારયુગનું પ્રતિનિધિત્વ કરતો અશ્વત્થામા. દ્રોણાચાર્યની છળપૂર્વક કરાયેલી હત્યાથી ક્રોધિત અશ્વત્થામાનું બર્બર મનુષ્યથી પશુ તરફ થતું ક્રમશ: પતન નાટકના શીર્ષકને ચરિતાર્થ કરે છે (તેના દ્વારા કહેવાયેલ આ પંક્તિ જુઓ. – “વધ મેરે લિયે નહિ રહી નીતિ, અબ વો હૈ મેરે લિયે મનોગ્રંથિ.” ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પુત્રમોહને લીધે અંધ છે તો સંજય આ ભીષણ સમરની વિભીષિકાને જોઈને પોતાની દિવ્યદૃષ્ટિને કોસે છે. અલ્ટીમેટલી, છે બધા અંધ જ, કોઈ શરીરથી, કોઈ મનથી, કોઈ વેરભાવમાં તો કોઈ મોહમાં. અહીં નાટકમાં બે પ્રહરીઓના પાત્ર બહુ રસપ્રદ છે. ખરેખર પ્રહરી એટલે? અંગ્રેજીમાં કહીએ વોચમેન જે નજર રાખવાનું કામ કરે. અહીં આ બે પ્રહરી એવા જ છે. તેમને માત્ર પોતાના કામથી જ મતલબ છે. કોણ જીતે અને કોણ હારે એ વાતથી સાવ ઉદાસીન એવા એ કહે છે :
“હમને મર્યાદા કે અતિક્રમણ નહીં કિયા,
ક્યોંકિ નહિ થી અપની કોઈ ભી મર્યાદા.
હમકો અનાસ્થાને કભી ભી નહિ ઝકઝોરા,
ક્યોંકિ નહિ થી અપની કોઈ ભી આસ્થા.”
વિરામ:
“જબ નાશ મનુજ પર છાતા હૈ,
પહલે વિવેક મર જાતા હૈ.”
– દિનકર (રશ્મિરથી)
ધર્મ માટે જ પણ પોતાના બાંધવો અને પોતાની પ્રજાની વિરુદ્ધ લડનારાનું પરિણામ કેવું આવે એ યુયુત્સુના હસ્તિનાપુરમાં આગમનમાં વર્ણવેલ છે. ત્યાંની પ્રજાને યુયુત્સુ કોઈ ગીધ જેવો ભાસે છે કે જે તેમના બાળકોને ઉઠાવી જાય! આહત એવા યુયુત્સુની શ્રદ્ધા કૃષ્ણરૂપી ધરી પર સ્થિર હતી કે જે હવે ડગમગવા લાગી છે. પશુ બનવા તરફ અગ્રેસર એવો અશ્વત્થામા એક વૃદ્ધ યાચકની હત્યા કરે છે કે જે પોતાની ઓળખાણ ભવિષ્ય તરીકે આપે છે એટલે કે અશ્વત્થામા ભવિષ્યની હત્યા કરે છે! અને આ જ વૃદ્ધનું પ્રેત જરા એટલે કે વૃદ્ધાવસ્થા તરીકે પાછું આવે છે અને કૃષ્ણના નિર્વાણમાં નિમિત્ત બને છે. આખા નાટકમાં ચક્ર અને ધરીનો રૂપક તરીકે બહુ સરસ વિનિયોગ થયો છે. તદુપરાંત,ગાંધારીની કૃષ્ણ પ્રત્યેની કુંઠા, યુયુત્સુની લાચારી, સંજયનો ઉદ્વેગ વગેરે બહુ સરસ દર્શાવેલા છે.
આમ તો આ નાટકની ઘણીબધી બાબતો વિશે અલગ લેખ લખી શકાય છે પણ આખરમાં કેટલાક ચોટદાર સંવાદ:
“ક્ધિતુ ઉસ દિન યહ સિદ્ધ હુઆ જબ કોઈ ભી મનુષ્ય અનાસક્ત હોકર
ચુનૌતી દેતા હૈ ઇતિહાસ કો, ઉસ દિન નક્ષત્રો કી દિશા બદલ જાતી હૈ”
“કેવલ કર્મ સત્ય હૈ
માનવ જો કરતા હૈ ઇસી સમય
ઉસી મેં નિહિત હૈ ભવિષ્ય
યુગો યુગો તક કા.”
“ડરને મેં ઉતની યાતના નહીં હૈ જીતની વહ હોને મેં
જિસસે સબકે સબ કેવલ ભય ખાતે હો.”
“અંતિમ પરિણતિ મેં દોનો જર્જર કરતે હૈ
પક્ષ ચાહે સત્ય કે હો ય અસત્ય કા.”
પૂર્ણાહુતિ:
યક્ષ: સાચો પ્રેમ કયો છે?
યુધિષ્ઠિર: પોતાની જાતને બધામાં જોવી એ સાચો પ્રેમ છે.