‘અગલે બરસ તું જલ્દી આના’ ના નાદ સાથે આજી નદીમાં ભાવપૂર્વક વિસર્જન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના હાર્દ સમા ડો. યાજ્ઞિક રોડ પર ભૂદેવ સેવા સમિતિ દ્વારા આયોજિત ’રાજકોટ કા મહારાજા’ ગણેશ મહોત્સવની 16મી વર્ષની ઉજવણી ભક્તિ અને શ્રદ્ધા સાથે સંપન્ન થઈ. આ મહોત્સવ શહેરના લોકો માટે આધ્યાત્મિક શક્તિ અને સામાજિક એકતાનું પ્રતિક બની રહ્યો છે.
108 દીવડાની અદ્વિતીય મહાઆરતી: મહોત્સવના દસમા અને અંતિમ દિવસે આયોજિત મહાઆરતી ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. વિદ્વાન શાસ્ત્રી શ્રી નીલભાઈ જોશીના હસ્તે 108 દીવડાની શંકુ આકારની અનોખી દીપમાળા પ્રગટાવવામાં આવી હતી, જેનાથી સમગ્ર પંડાલ દિવ્ય તેજથી ઝળહળી ઉઠ્યો હતો. ભક્તોએ ’ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે ભક્તિભાવપૂર્વક આરતીમાં ભાગ લીધો હતો. આ પાવન પળે અનેક ભક્તોએ દીવડાની જ્યોતિને જીવનમાંથી અંધકાર દૂર કરી સુખ, સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ સમાન ગણી હતી.
વિસર્જન યાત્રા: મહાઆરતી બાદ ભાવુક થયેલા ભક્તો દ્વારા ’અગલે બરસ તું જલ્દી આના’ ના નાદ સાથે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં બાળકોથી લઈને સમિતિના તમામ સભ્યો ભાવુક જોવા મળ્યા હતા. ગણપતિ મહારાજની આ પ્રતિમાનું આજી નદી ખાતે ભક્તિભાવ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોની ઉપસ્થિતિ: આ પ્રસંગે ઉદ્યોગપતિ ભગીરથભાઈ શુક્લ, ગીર ગામઠી હોટેલના અશ્વિનભાઈ ખુંટ, શ્યામ ડેરી ફાર્મના જીગ્નેશભાઈ, ભાજપના વોર્ડ-2ના પ્રમુખ ભાવેશભાઈ ટોયટા, મહામંત્રી ધૈયભાઈ પારેખ સહિત રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભૂદેવ સેવા સમિતિના સભ્યોની જહેમત: આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે સંસ્થાના સંસ્થાપક તેજસભાઈ ત્રિવેદીના પ્રેરણાત્મક માર્ગદર્શન હેઠળ સમિતિના કાર્યકરો માનવ વ્યાસ, મિત ભટ્ટ, વિશાલ આહ્યા, ભરત દવે સહિતના અનેક સેવાભાવી સભ્યોએ રાત-દિવસ મહેનત કરી હતી.