જુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાના શેરીયાજ ગામની દિવાલ ટપી સિંહના ટોળાએ ગૌશાળામાં પ્રવેશી ચાર ગાયોનું મારણ કરતા ચકચાર પ્રસરી છે. આ ઘટનાના પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ પ્રસર્યો છે. આ ઘટના અંગે વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના ચારેક સિંહોનું ટોળુ હોવાની સ્થાનિક ગ્રામજનોમાં ચર્ચાઓ થઇ રહી હતી.
માંગરોળ તાલુકાના શેરીયાજ ગામે આવેલી બાપા સીતારામ ગૌશાળામાં ગત મોડીરાત્રીના સિંહોનું ટોળુ દિવાલ ટપી અંદર પ્રવેશ્યુ હતુ. ગૌશાળામાં રહેલી ગાયો પર હુમલો કરી ચાર ગાયોનું મારણ કર્યું હતું. મૃતક ચાર પૈકી બે ગાયો ગાભણી હોવાનું જાણવા મળી રહેલ છે. આ ઘટનાની વહેલી સવારે જાણ થતા મોટી સંખ્યામાં ગ્રામજનો ગૌશાળા ખાતે દોડી ગયા હતા. આ ઘટનાની વન વિભાગને જાણ કરવામાં આવતા વનકર્મીઓ દોડી આવી તપાસ હાથ ધરી હતી. ગૌશાળામાં ગૌમાતા પર જીવલેણ હુમલામાં ચાર સિંહોનું ટોળુ હોવાનું ગ્રામજનોમાં ચર્ચાય રહેલ છે.