9 નવેમ્બર 1947ના રોજ જુનાગઢ ભારતમાં જોડાઈ હતું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સમગ્ર ભારત દેશ સ્વતંત્રતાની ખુશી મનાવી રહ્યો હતો, ત્યારે જૂનાગઢ નવાબ મહાબતખાન-ત્રીજાએ 15મી ઓગસ્ટ 1947ના રોજ જૂનાગઢને પાકિસ્તાન સાથેના જોડાણની જાહેરાત કરતા રાજ્યની બહુમતી પ્રજાને આંચકો લાગ્યો .જૂનાગઢના દિવાન શાહ નવાઝ ભૂટોની કાન ભંભેરણીથી નવાબના નિર્ણય સામે સમગ્ર કાઠિયાવાડમાં ખળભળાટ મચી ગયો હતો.
ભૌગોલિક પરિસ્થિતિ તથા વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ આ નિર્ણય તદ્દન અવ્યવહારુ હતો. નવાબના આ નિર્ણય સામે સરદાર વલ્લભભાઈ પટેલના આશીર્વાદ સાથે આરજી હુકુમતની લડત ત્રણ મહિના સુધી ચાલી અને અંતે 9 નવેમ્બર 1947ના રોજ જુનાગઢ ભારતમાં જોડાઈ ગયું.આજે નવમી નવેમ્બરે જુનાગઢનો મુક્તિ દિન છે. નવી પેઢીને આરજી હકુમતની લડત દેશની અખંડિતતા સાથે લોકશક્તિ માટે પ્રેરણા આપે છે. આજના દિવસે મનપા દ્વારા બહાઉદીન કોલેજ ગ્રાઉન્ડમાં વિજય સ્થંભ તક્તિનું પૂજન કરાયું હતું તેમજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે હેલ્ધી બેબી કોમ્પિટિશનના આયોજન સાથે રાત્રે બહાઉદીન કોલેજના પટાંગણમાં જૂનાગઢ મુક્તિ દિન તરીકે ભવ્ય આતશબાજી કરવામાં આવશે.