હત્યાનાં આરોપીઓએ જેલ સિપાહીના શર્ટ ફાડી નાખ્યાં તો પણ ગુનો નહીં નોંધવા જેલર પટ્ટણીનાં ધમપછાડા!
લુખ્ખાઓની લાલિયાવાડી સામે જેલર પટ્ટણી ઘૂંટણીયે?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને પગલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગત રવિવારે મોરબીની મુલાકાતે આવ્યા હતા અને પોલીસના ક્લાસ લીધા હતા જોકે ગૃહમંત્રીની મુલાકાત બાદ પણ સ્થિતિમાં ખાસ ફર્ક પડ્યો હોય તેવું લાગતું નથી કારણકે મોરબીની સબ જેલમાં હત્યાના ગુન્હામાં રહેલા ચાર આરોપીઓએ મુલાકાત બાબતે જેલ સિપાહી સાથે માથાકૂટ કરીને શર્ટ ફાડી નાખ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે જોકે આ ઘટના અંગે ગુનો નહીં નોંધવા જેલ અધિક્ષક પટ્ટણીએ ડીવાયએસપી લેવલના અધિકારીને ભલામણ કરી હોવાથી હજુ સુધી ગુનો નોંધાયો નથી.
મોરબીની સબ જેલમાં ફરજ બજાવતા કર્મચારી પર હુમલો થયા બાદ જેલ અધિક્ષક પટ્ટણી મૂકપ્રેક્ષક હોવાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે ત્યારે મોરબીના ચકરારી હત્યા કેસના આરોપીઓ મોરબી સબ જેલમાં જેલવાસ કાપી રહ્યા છે. આ આરોપીઓની મુલાકાત કરવા ગત તા. 25 જૂનના રોજ તેના સગા આવ્યા હતા જોકે નિયમ અનુસાર મુલાકાત ન હોવાથી હાજર જેલ સ્ટાફે મુલાકાતીઓને મુલાકાતની ના પાડી હતી જેથી જેલમાં રહેલા શખ્સોએ સ્ટાફ સાથે મોટા અવાજથી ગેરવર્તન ચાલુ કર્યું હતું અને જેલ સ્ટાફને માનસિક રીતે ડરાવવા માટે આરોપીઓએ દિવાલમાં માથા ભટકાવવાંનું શરૂ કર્યું હતું જોકે જેલ સ્ટાફે વચ્ચે પડીને આવું ન કરવા અટકાવતા આરોપીઓએ જેલ સ્ટાફ ઉપર હુમલો કરવાની કોશિશ કરી હતી જેમાંથી એક જેલ કર્મચારીના શર્ટ પણ ફાડી નાખ્યાં હોવાની માહિતી મળી છે.
આ બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ થતાં જેલ સ્ટાફના નિવેદન પણ લેવામાં આવ્યા હતા પરંતુ હજુ સુધી આ ઘટના અંગે ગુનો નોંધાયો નથી જોકે ગુનો ન નોંધાવા પાછળનું કારણ બીજું કંઈ નહીં પણ જેલ અધિક્ષક કનુભાઈ પટ્ટણી જ છે.
જાણવા મળ્યું છે કે, જેલ અધિક્ષક પટ્ટણીએ ડીવાયએસપી લેવલના અધિકારીને ભલામણ કરી હોવાથી કાગડો કાગડાની માટી ન ખાય તે ઉકિત મુજબ હજુ સુધી ગુનો નોંધાયો નથી જોકે નિવેદન લેવામાં આવ્યા હોવાથી ગમે ત્યારે ગુનો નોંધાઈ પણ શકે છે ત્યારે જેલ અધિક્ષક પટ્ટણી કેમ આવા લુખ્ખા તત્વોના ઘૂંટણીયે પડેલા છે અને શા માટે આરોપીઓની તરફેણ કરે છે તે સૌથી મોટો પ્રશ્ન છે. શું આ બાબતની ફરિયાદ થાય તો જેલમાં ચાલતી લોલમ લોલમ છતી થયા જાય તેમ છે ? જેલ અધિક્ષક પટ્ટણીની જેલમાં ચાલતી જામસાહેબી બંધ થઈ જાય તેમ છે ? લાગે છે, એના માટે જ જેલર પટ્ટણી ફરીયાદ ન થવા દેવા ધમપછાડા કરી રહ્યા છે કારણ કે ફરીયાદ થાય તો જેલરની ટેબલ નીચેની આવક બંધ થઈ જાય ! જેથી આ સમગ્ર મામલો બહાર ન આવે તે માટે જેલર કનુભાઈ પટ્ટણી ભીનું સંકેલવા પૂરા પ્રયાસો કરતાં હોવાની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે જેલમાં પણ પોલીસની ધાક નહીં રહે તો આગામી સમયમાં લુખ્ખા અને અસામાજીક તત્વો છૂટા દોર થઈ જશે જેથી આ બનાવમાં ફરીયાદ નોંધાવી અત્યંત આવશ્યક છે.