‘જિંદાબાદ’ના નારા લાગ્યા
કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે દફનાવાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.30
બાંદા જેલમાં હાર્ટ અટેકથી મૃત્યુ બાદ માફિયા ગેંગસ્ટર મુખ્તાર અન્સારીનો મૃતદેહ તેના વતન ગાઝીપુરના મોહમ્મદાબાદ લાવવામાં આવ્યો, જ્યાં દફનાવવાની ક્રિયા પૂર્ણ કરાઈ. આ દરમિયાન મુસ્લિમ સમુદાયના સેંકડો લોકોની ભીડ મુખ્તાર અન્સારીના જનાજામાં સામેલ થઈ. જ્યાં તેમણે નારા પણ લગાવ્યા અને નમાજ પણ પઢી.
- Advertisement -
મુખ્તાર અન્સારીને મોહમ્મદાબાદના કાલીબાગ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો. જોકે, સુરક્ષા કારણોસર માત્ર પરિવારને જ અંદર જવાની પરવાનગી આપવામાં આવી, જ્યારે બાકીના સેંકડો માણસોનું ટોળું કબ્રસ્તાનની બહાર સુધી જનાજામાં જોડાયું હતું. દરમ્યાન, અમુક લોકોએ બેરિકેડ તોડવાના પણ પ્રયાસ કર્યા, પરંતુ પોલીસે સ્થિતિ સંભાળી લીધી હતી. મુખ્તાર અન્સારીના મૃત્યુ બાદથી જ તેના વતનમાં પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તેના મૃતદેહને લાવવામાં આવ્યા બાદ વધુ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઘરની ચારેતરફ પોલીસ બંદોબસ્ત ગોઠવીને બેરિકેડિંગ પણ કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગામમાં પણ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો અને પોલીસ બેડાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
મુખ્તારને દફનાવવામાં આવ્યો તે પહેલાં મૃતદેહ તેના ઘરે રાખવામાં આવ્યો હતો, જ્યાં થોડી જ વારમાં સેંકડો માણસોનું ટોળું એકઠું થઈ ગયું. તેમણે ‘મુખ્તાર અન્સારી જિંદાબાદ’ના નારા પણ લગાવ્યા. સવારે લગભગ 10 વાગ્યે જનાજો કાઢવામાં આવ્યો. કબ્રસ્તાન લઇ જતાં પહેલાં નમાજ પણ પઢવામાં આવી, જેમાં પણ સેંકડોની સંખ્યામાં લોકો જોડાયા.
અંતિમ ક્રિયામાં સામેલ થવા માટે બિહારના કુખ્યાત ગેંગસ્ટર મોહમ્મદ શાહબુદ્દીનનો પુત્ર ઓસામા પણ આવ્યો હતો. શાહબુદ્દીન પણ મુખ્તારની જેમ માફિયા ડોન હતો, જે મે, 2021માં જેલમાં મૃત્યુ પામ્યો હતો. તેનો પુત્ર શનિવારે (30 માર્ચ) મુખ્તારના જનાજામાં જોડાયો હતો.