ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.5
લોકસભા ચુંટણીના પરિણામોમાં દેશનું દિલ ગણાતા મધ્યપ્રદેશ ફરી ભાજપની લાજ રાખી છે. મધ્યપ્રદેશમાં કુલ 29 લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે જેમાંથી તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોને જીત મળી છે. આમ મધ્યપ્રદેશ રાજય ભાજપ માટે સંજીવની સાબીત થયું હતું. ગત 2019ની લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે હારેલા ઉમેદવાર જયોતિરાદિત્ય સિંધિયા ભાજપના ઉમેદવાર તરીકે ગુના બેઠક પર પ્રતિસ્પર્ધીને 5 લાખ કરતા વધુ મતોથી પરાજય આપ્યો હતો. વિદિશા બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે 8 લાખ કરતા વધુ મતોની સરસાઇથી જીત મેળવી છે.
- Advertisement -
કોંગ્રેસનો ગઢ ગણાતી છિંદવાડા બેઠક પર પણ ભાજપના ઉમેદવાર બંટી વિવેક શાહુએ કોંગ્રેસના ઉમેદવાર નકુલનાથને 113618 મતોથી પરાજય આપ્યો હતો. કોંગ્રેસની પરંપરાગત બેઠક ગણાતી છિંદવાડા પર દિગ્ગજ કમલનાથ ચુંટાતા હતા. મોદી વેવમાં પણ કમલનાથે કોંગ્રેસના ગઢને સલામત રાખ્યો હતો,
છિંદવાડા બેઠક પર કમલનાથના પુત્ર નકુલનાથ ઉમેદવાર હતા પરંતુ કમલનાથ પુત્ર નકુલનાથને વિજય અપાવી શકયા નહી. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહએ પોતાની પરંપરાગત રાજગઢ બેઠક પર પાછળ રહીને વધુ એક વાર હારવાનો રેકોર્ડ કર્યો છે. પ્રતિસ્પર્ધી ઉમેદવારે રોડમલ નાગરે 140323 મત વધારે મેળવ્યા હતા. ગત લોકસભા ચુંટણીમાં દિગ્વિજયસિંહને ભોપાલ બેઠક પર હાર મળી હતી.
ઇન્દોર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના અક્ષય કાંતિ બમે ઉમેદવારી પત્ર પાછુ ખેંચતા બીજેપીના શંકર લાલવાણી ઉમેદવાર તરીકે રહયા હતા. મુખ્ય પ્રતિસ્પર્ધી વિનાની બેઠક પર શંકર લાલવાણીને મતગણતરીમાં 1226751 મત મળ્યા હતા જે પોતાના નજીકના પ્રતિસ્પર્ધી કરતા 1175092 વધારે હતા. આ સાથે જ લાલવાણીએ સૌથી વધુ મતોથી વિજય મળવીને રેકોર્ડ સર્જયો છે. આ ઉપરાંત નોટામાં 1 લાખ કરતા પણ વધુ મતો પડયા હતા જે પણ રેકોર્ડ છે. વિપક્ષના ગઠબંધન ઇન્ડિયાને લઇને મોદીએ કહ્યું હતું કે પુરુ ગઠબંધન તમામ વિરોધીઓ મળીને એટલી બેઠક નથી જીતી શક્યા જેટલી ભાજપે જીતી છે. એનડીએના ત્રીજા કાર્યકાળમાં દેશમાં અનેક મોટા નિર્ણયોનો નવો અધ્યાય લખવામાં આવશે. મોદીએ સાથે કહ્યું હતું કે આજની આ પળ મારા માટે ભાવુક કરનારી છે. મારા માતાના ગયા બાદ આ મારી પ્રથમ ચૂંટણી હતી, જોકે સાચુ માનીએ તો દેશની માતાઓ બહેનોએ માતાની ખામી પુરી કરી દીધી છે. હું જ્યાં પણ ગયો ત્યાં મને આશિર્વાદ મળ્યા છે. દેશમાં મહિલાઓએ વોટિંગના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
તેમણે મને નવી પ્રેરણા આપી છે. આજનો આ વિજય વિશ્વના સૌથી મોટા લોકતંત્રનો વિજય છે. ભારતના બંધારણ પર અટૂટ નિષ્ઠાની જીત છે. વિકસિત ભારતની પ્રતિજ્ઞાાની જીત છે. સૌનો સાથ સૌનો વિકાસ મંત્રની જીત છે