ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં કેસર કેરીનાં ચાહકોની મજા માવઠુ બગાડી શકે છે તો કેરીના પાકને નુકશાન થશે તો બાગના ઇજારા રાખનાર અને માલિકોને મોટી નુકસાની વેઠવી પડે તો નવાઇ નહિ તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. જયારે રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની ચેતવણી વચ્ચે જૂનાગઢ પંથકના ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ સ્પષ્ટ છે કે, એક તો હાલ ઓછા ઉત્પાદનને કારણે સંકટમાંથી પસાર થતી કેસર કેરીનો પાક હવે આકાશી આફતનો સામનો થશે તો ખેડૂતો અને ઇજારદારને માથે ઓઢીને રોવાનો વારો આવશે.
આ વર્ષે પહેલાંથી જ કેસર કેરીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો અત્યારે માવઠું પડે, તો એનો સીધો સીધો અસર પાક પર પડશે અને ખેડૂતોને કરોડોનું નુકશાન ભોગવવું પડી શકે તેવી સ્થિતિ સર્જાય શકે તેમ છે. જૂનાગઢ જિલ્લાના કેરીના બગીચાનાં ખેડૂતો કહે છે કે, પ્રતી વિઘા બાગ પર રૂ. 15,000થી વધુનો ખર્ચ થતો હોય છે. હવે જો વરસાદ પડે તો આ બધી મહેનત પર પાણી ફરી વળે તેવું લાગે છે.બીજી તરફ, બાગાયત વિભાગનું કહેવું છે કે માવઠાના કારણે કેરીના પાંદડા અને ફળમાં જીવાત ઉપદ્રવ વધી શકે છે, જેના કારણે મોટાભાગના પાકને નુકશાન પહોંચવાની સંભાવના છે. ખાસ કરીને જો પવન સાથે વરસાદ આવે, તો નુકશાનનું પ્રમાણ વધુ જ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. હાલ તો કેસર કેરીની ઓછા ઉત્પાદનને કારણે આર્થિક સ્થિતિમાં આવી ચૂકેલા ખેડૂતો માટે આ માવઠું વિનાશનું કારણ બની શકે છે. તેમાં ખેડૂત રણછોડભાઈ અને પ્રવીણાબેને જણાવ્યું હતું.



