વિદ્યાર્થીઓની કારકિર્દીના ભોગે ‘વગદાર’ કોલેજ સંચાલકને છાવરવાના પ્રયાસોની ચર્ચા
‘હરિની વંદના’ કોઈ નથી કરતું, બધાને ‘માલ’માં જ રસ
- Advertisement -
વિદ્યાર્થીઓએ કુલપતિને પત્ર પાઠવ્યો? કુલપતિનો ચોક્કસ કારણસર ઢાંકપિછોડો?
ખાસ-ખબર સંવાદદાતા
યુનિવર્સિટીમાં સર્વોપરી વિદ્યાર્થી જ હોવા જોઈએ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ભોગે ‘સંબંધ’ સાચવવાની કે કામ કઢાવવાની વાતને પ્રાધાન્ય અપાતું હોય એવી ઘટના છાનાખૂણે ચર્ચાય રહી છે.
શિક્ષણજગતનાં વર્તુળોમાં ચર્ચાતી વિગત મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભાગોળે આવેલી એક જાણીતી કોલેજના સાયન્સ સાથે સંકળાયેલ એક વિદ્યા શાખામાં તાજેતરમાં જ ભરતી થયેલા બે પ્રોફેસરો વચ્ચે ઈલુ-ઈલુ જેવા સંબંધો વિકસવા લાગતાં આ બાબતને લઈને અભ્યાસ તથા લેબોરેટરી સહિતની કામગીરી ઉપર પણ અસર પડવાનું શરૂ થયું જેથી આ શાખાના વિદ્યાર્થીઓએ પ્રથમ કોલેજના સત્તાધીશોને અને બાદમાં યુનિવર્સિટીના સર્વસત્તાધીશ એવા કુલપતિને પત્ર લખી વિગતવાર રજૂઆત કર્યાનું સંભળાય છે.
- Advertisement -
વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે સીધી જ જોડાયેલી આ ઘટનામાં ત્વરીત કોઈ કાર્યવાહી કરવાના બદલે જવાબદાર વ્યક્તિ દ્વારા આ કોલેજના સંચાલકને પોતાની ચેમ્બરમાં જ બોલાવીને સમગ્ર ઘટના ઉપર ઢાંકપિછોડો કરવામાં આવ્યાનું શિક્ષણ જગતમાં ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે એ વાત સાબિત થાય છે કે, વાસ્તવમાં ‘હરિની વંદના’ કોઈ નથી કરતું. બધાને ‘માલ’માં જ રસ છે.
આ બનાવમાં એવું પણ સંભળાય છે કે જે કોલેજમાં ઘટના બન્યાનું મનાય છે તેના સંચાલકો યુનિવર્સિટીમાં ‘વગદાર’ સ્થાન ધરાવે છે એટલે કાં તો સંબંધ સાચવવા અથવા તો સમય આવ્યે આ કોલેજ સંચાલકને દબાવી શકાય તેવા આશયથી આ બનાવને વિદ્યાર્થીઓના ભોગે દબાવી દેવામાં આવ્યાનું ચર્ચાય છે. ખાનગી કોલેજમાં વિદ્યાર્થીઓ મોટી રકમની ફી ભરીને કારકિર્દી બનાવવા માટે આવે છે ત્યારે આવી ઘટનાથી માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, વાલીઓ પણ આંચકો અનુભવે છે ત્યારે વિદ્યાર્થીલક્ષી અભિગમ રાખીને જો આવું કંઈ બન્યું હોય તો તુરત જ કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણી દ્વારા યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.
કુલપતિ ડો. ભીમાણી પગલાં લેવાના બદલે પ્રકરણ દબાવી દેવાનાં રોલમાં?
વિદ્યાના ધામમાં જો આવા કરતૂતો થતાં હોય તો કુલપતિની ફરજ છે કે કડક કાર્યવાહી કરી વિદ્યાર્થીઓને ન્યાય અપાવે નહીં કે પોતાના અંગત લાભાલાભને ધ્યાનમાં લઈને ઢાંકપિછોડા કરવાનું યુનિવર્સિટીના અમુક ભવનોમાં ભૂતકાળમાં આવા બનાવોએ ભારે ચર્ચાઓ જગાવી હતી હવે આ દૂષણ કોલેજો સુધી પહોંચે અને વકરે તે પહેલાં કુલપતિ ડો. ભીમાણી યોગ્ય કરે તે શિક્ષણજગતના હિતમાં છે.
કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીનાં ત્રાસ અને શોષણનો ભોગ બનેલાઓ તથા સૌરાષ્ટ્ર યુનિ.નાં કથળેલાં વહીવટથી પીડિતો ‘ખાસ-ખબર’નો 76982 11111 પર સંપર્ક કરે