144 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર થયું આવું, માત્ર પોલીસ જવાનો સાથે નીકળી રથયાત્રા
22 કિ.મી.નો રૂટ 4 કલાકમાં પુરો કર્યો
23 હજાર પોલીસ, ગૃહમંત્રી, રાજ્યના પોલીસ વડા અને પોલીસ કમિશનર 8 કલાક ખડેપગે!
લોકોએ ઘરના ઓટલે, પોળના ધાબે-નાકેથી ભગવાનનાં દર્શન કર્યાં
રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદવિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદ શહેરમાં કોરોનાની વચ્ચે આજે બે વર્ષના અંતરાલ બાદ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળી છે. સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદવિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. 144 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ભક્તો વગર ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે. એક સમયે રથની આસપાસ લાખો લોકોની ભીડ જામતી હતી, જ્યારે આ વર્ષે માત્ર પરંપરાગત રૂટ પરના લોકોએ માત્ર ઘરમાં જ બેસી બારી તેમજ ધાબા પરથી ભગવાનનાં દર્શન કર્યાં છે. ભગવાનમાં ત્રણેય રથ સમયથી બે કલાક વહેલા ચાલી રહ્યા છે. બીજી તરફ, સરસપુરમાં લોકોએ ધાબા પર અને પોળના નાકેથી ભગવાનનાં દર્શન કર્યાં હતાં. રથયાત્રાના દિવસે કર્ફ્યૂ હોવાને કારણે અલગ અલગ વિસ્તારોમાં નિયંત્રણ છે. ત્યારે કાલુપુર દરવાજા પાસે રેલવે સ્ટેશનથી આવતા અને જતા પ્રવાસીઓ માટે પોલીસે માનવીય અભિગમ અપનાવ્યો છે. હજાર સ્થાનિક પોલીસે પોલીસનાં વાહનોમાં પ્રવાસીઓને અન્ય સ્થાને લઈ જવામાં મદદ કરી, જેને કારણે અટવાયેલા પ્રવાસીઓમાં આનંદ જોવા મળ્યો અને ખુશી વ્યક્ત કરી હતી.
- Advertisement -
સૌથી આગળ પોલીસનાં વાહનો બાદમાં રથની આગળ એક વાહન મંદિરનું અને પછી ત્રણ રથ પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી રહ્યા છે. રથની પાછળ પણ પોલીસ. રાયપુર ચાર રસ્તા, જ્યાં રથયાત્રા પહોંચે એ પહેલાં માનવ મહેરામણ ઊમટતો હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને લઈ નિયંત્રણ હોવાથી રસ્તા પર માત્ર પોલીસ જવાનો બંદોબસ્તમાં જોવા મળી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચવાળા રથને પાછળથી ધક્કો મારી રહ્યા છે.