કાલે વિશ્ર્વ સિંહ દિવસ સિંહનાં શ્રેષ્ઠ ફોટો પાડનારની કહાની સિંહ દિવસની પૂર્વ સંધ્યાએ ‘ખાસ-ખબર’માં…
10 ઓગસ્ટનાં વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સિંહનાં સંવર્ધન અને સંરક્ષણનાં કારણે સિંહની વસ્તીમાં વૃદ્ધિ થઇ છે. આજે 700 જેટલા સિંહ 30 હજાર ચોરસ કિમીમાં વિહાર કરી રહ્યાં છે. સિંહ અમદાવાદની ભાગોળે પહોચ્યાં છે. સિંહ પ્રાણી નથી. સિંહ ઇકોનીમી છે. સિંહ એથીક છે. સિંહ રાજા છે એટલે ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભાગવત ગીતામાં કહ્યું છે કે, પશુઓમાં હું સિંહ છું. જંગલમાં અનેક ખલનાયક છે પરંતુ સિંહ નાયક છે. સિંહ ગિર જંગલનું ગૌરવ છે. સિંહ ક્યારેય નાના પ્રાણીઓને હેરાન કરતો નથી. હા પણ પોતાનાં બચ્ચાં ઉપર આફત આવે ત્યારે કોઇને છોડતો પણ નથી. સિંહનાં શ્રેષ્ઠ ફોટો પાડનારની કહાની વિશ્ર્વ સિંહ દિવસની પૂર્વ સંધ્યાએ ‘ખાસ-ખબર’માં…
- Advertisement -
સિંહ સુવે તો 10 કલાક સુતો રહે અને ચાલવા માંડે તો 15 કિમી ચાલી જાય : યાસિન જુનેજા
ફોરેસ્ટર યાસિનભાઇ જુનેજાએ પણ અનેક સિંહનાં ફોટા પાડ્યાં છે. સિંહનું અવલોકન કર્યુ છે. ખાટલાં ઉપર રમતા અને બેઠલા સિંહબાળનો ફોટોને શ્રેષ્ઠ ફોટો માને છે. આ ફોટોની અંગ્રેજી અખબારોએ પણ નોંધ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, જંગલમાં ફોટા માટે આયોજન કરી શકાય નહીં. નસીબ સાથ આપે તો શ્રેષ્ઠ ફોટો મળી રહે છે. 14 વર્ષનો નોકરીમાં રેર કેસમાં આવો ફોટો મળ્યો છે. સારા ફોટા માટે યોજના કે ઇચ્છા વ્યક્ત ન કરી શકાય. પરંતુ કિસ્મતનો સાથ હોય તો સારા ફોટા મળી જાય છે. સિંહની ખાસિયત અને આદત અંગે કહ્યું હતું કે, સિંહ આળસુ પ્રાણી છે. સિંહ પોતાનાં વિસ્તારમાં જ રહેવાનું પસંદ કરે છે. શિકાર પછી 10થી 15 કલાક સુતો રહે કે આરામ કરે. કયારે શિકારની શોધવામાં ચાલવા માડે તો પોતાનાં વિસ્તારમાં 15 કિમી સુધી ચાલી જાય છે. સિંહનું રાજા હોવા અંગે કહ્યું કે, સિંહને કાલની ચિંતા નથી. તે અન્ય પ્રાણીની જેમ ખોરાક સંતાડતો નથી. સિંહ મારણ ખાતો હોય ત્યારે પ્રાણી મારણ ખાવા આવે તો તેના ઉપર હુમલો કરતો નથી. સિંહ વિશાળ હૃદય ધરાવે છે.
30 હજાર ચોરસ કિ.મી.માં 700 જેટલાં સિંહ વિહાર કરે છે
- Advertisement -
સિંહને કાલની ચિંતા નથી, સિંહમાં માનવતા વધારે
કેસુડાનાં વૃક્ષ પર ફોટો માટે એક વર્ષ રાહ જોઇ : દીપક વાઢેર
ફોરેસ્ટર દિપકભાઇ વાઢેરનાં સિંહનાં ફોટા વિશ્ર્વ લેવલે પ્રસિધ્ધી પામ્યાં છે. તેમનો એક ફોટો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ટ્વીટ કર્યો હતો. સિંહ કેસુડાનાં વૃક્ષ ઉપર હોય તે ફોટાને બેસ્ટ ફોટો માને છે. દિપકભાઇ વાઢેરે કહ્યું હતું કે, આ ફોટો માટે મે એક વર્ષ રાહ જોઇ હતી. ફિલ્ડ દરમિયાન શ્રેષ્ઠ ફોટો મળી જતા હોય છે. ફોટો માટે કોઇ ઇચ્છા રાખી ન શકાય. પરંતુ વન્ય પ્રાણીનાં લડાઇનાં ફોટા મળે તો તે આપણું નસીબ કહેવાય.સિંહની ખાસિયત અને આદત અંગે કહ્યું હતું કેે સિંહનો વિસ્તાર વધ્યો છે. સિંહની સંખ્યા વધી છે. માનવ વસાહત સુધી પહોંચી ગયા છે. પરંતુ માનવ પર સિધો હુમલો કરતા નથી. સિંહને હેરાન કર્યો હોય કે તેવી અન્ય બાબતમાં માનવ ઉપર હુમલા કરે છે. સિંહે તેની મર્યાદા ઓળંગી નથી. સિંહમાં માનવતા વધારે છે. લોકોની પાસેથી સિંહ પસાર થતા હોવાનાં અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. સિંહનું રાજા હોવા અંગે કહ્યું હતુ કે, જંગલમાં તેમની હાજરી જ રાજા જેવું વાતાવરણ ઉભું થાય છે. સિંહ હંમેશા માને કે પોતાનાથી કોઇ બળવાન નથી. સિંહની હાજરીથી અન્ય હિંસક પ્રાણીઓ ભાગી જાય છે.
નસીબ અને ટાઇમીંગ હોય તો જ સારો ફોટો લેવામાં સફળતા મળે : સોહેબ જામ
વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર સોહેબ જામને નાનપણથી જ વન્ય પ્રાણીઓનાં ફોટો પાડવાનો શોખ છે. તેમણે દેવળિયા પાર્ક અને આંબરડી પાર્કમાં સિંહનાં અનેક ફોટા પાડયાં છે. તેમણે કહ્યું હતું કે, પરિવાર સાથે પાર્કમાં જતો ત્યારથી જ ફોટો પાડવાની ઇચ્છા રહેતી હતી. ત્યારથી જ ફોટોગ્રાફીનો શોખ થયો છે.
સિંહ કે અન્ય પ્રાણીઓનાં ફોટા માટે કલ્પના ચાલતી નથી. નસીબ અને ટાઇમીંગ જ તમને શ્રેષ્ઠ ફોટો આપે છે. એક સિંહ ઝાડીમાં ગયો હતો. તેના બહાર આવવા માટે મેં રાહ જોઇ હતી. જ્યારે સિંહ બહાર આવ્યો તો એવું લાગ્યું જાણે સિંહ હવા લઇ રહ્યો છે. આ ફોટો મેં પાડ્યો. અન્ય ફોટા કરતા આ મારો ફોટ શ્રેષ્ઠ ફોટો છે. નસીબ અને ટાઈમિંગ ઉપર જ સફળતા મળે છે. તમે પહેલેથી નકકી ન કરી શકો કે આ પ્રકારનો ફોટો ક્લિક કરવો છે.