ખાસ-ખબર ન્યૂઝ માધવપુર
માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી માતાના લગ્ન બાદ પછીના દિવસે માધવપુર થી દ્વારકા સાંસ્કૃતિક કાર્યક્રમની યાત્રા જાન રૂપે દ્વારકા પહોંચે છે. માધવપુર થી દ્વારકા યાત્રા અંતર્ગત આજે પોરબંદર ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. તા. 9 એપ્રિલના રોજ સાંજે ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રુકમણીજીના લગ્ન પ્રસંગ યોજાયો હતો. માધવપુર અને દ્વારકા ભાવનાત્મક રીતે જોડાયેલા છે. માધવપુર ખાતે ચાર દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ પાંચમા દિવસે દ્વારકા ખાતે કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. સરકાર દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે તા.10 ના રોજ વહેલી સવારે માધવપુરથી ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી રૂપે નીકળેલા કલાકારોનું પ્રતિકાત્મક જાન રૂપે પોરબંદર પટેલ સમાજ ખાતે શહેરીજનોએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું. જેમા વેશભૂષામા સજ્જ ભગવાન શ્રીકૃષ્ણ માતા રુકમણીજી તેમજ કલાકારોને શહેરીજનોએ પરંપરાગત રીતે આવકાર્યા હતા.
- Advertisement -
પોરબંદર ખાતે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, ચેતનાબેન તિવારી સહીતના અગ્રણીઓ, મહાનગરપાલિકાના કમિશનર એચ.એ.પ્રજાપતિ સહિત મહાનુભાવો તથા શહેરીજનોએ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે જાનનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. આ ઉત્સવની ઉજવણી પ્રસંગે યુવાનોએ મણિયારો રાસ તેમજ બહેનોએ રાસ ગરબા રજૂ કરી મહેમાનોને આવકાર્યા હતા.