ધોળેશ્ર્વર રેલ્વે ફાટક નજીક ઋઈઈં ગોડાઉનમાંથી જતી ટ્રકનો બેલ્ટ તૂટ્યો, અફડાતફડીનો માહોલ સર્જાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં એક ટ્રકમાંથી મગફળીની બોરીઓ અચાનક રસ્તા પર ઢોળાઈ જતાં સ્થાનિક લોકો દ્વારા તેની લૂંટ ચલાવવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના થાનગઢ બાયપાસ પર ધોળેશ્વર રેલ્વે ફાટક નજીક બની હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, થાનગઢના હિટરનગર ખાતે આવેલા ઋઈઈં (ફૂડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા)ના મગફળીના ગોડાઉનમાંથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીનું વેચાણ ચાલી રહ્યું છે. મગફળીની બોરીઓ ભરેલો એક ટ્રક આ ઋઈઈં ગોડાઉનમાંથી શ્રીરામ વે-બ્રિજ પર વજન કરાવીને ચોટીલા તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન, ધોળેશ્વર રેલ્વે ફાટક પાસેથી પસાર થતી વખતે ટ્રકમાં મગફળીની બોરીઓ બાંધેલો બેલ્ટ અચાનક તૂટી ગયો હતો, જેના કારણે મગફળીની અનેક બોરીઓ રસ્તા પર નીચે પટકાઈ હતી. બોરીઓ રસ્તા પર ઢોળાતા જ આસપાસના સ્થાનિક લોકોએ તકનો લાભ લઈને તાત્કાલિક તેની લૂંટ ચલાવવાનું શરૂ કર્યું હતું અને બોરીઓ ઉઠાવીને લઈ જવા લાગ્યા હતા.
ઘટનાની જાણ થતાં ટ્રક ડ્રાઇવર અને ઋઈઈં ગોડાઉનના કર્મચારીઓએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે ઝડપથી પહોંચી જતાં લૂંટ કરતા લોકોને રોકવામાં આવ્યા હતા અને બોરીઓને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અચાનક બનેલી ઘટનાને પગલે થોડા સમય માટે થાનગઢ બાયપાસ પર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. પોલીસની દરમિયાનગીરી બાદ પરિસ્થિતિ કાબૂમાં આવી હતી અને મામલો થાળે પડ્યો હતો.



