-ચાર જ મહિનાના ટુંકાગાળામાં આંતરરાષ્ટ્રીય એજન્સીએ બીજી વખત ભારતનું રેટીંગ વધાર્યુ
ભારતીય અર્થતંત્રમાં લાંબાગાળાની તેજીની હજુ શરૂઆત હોવાનો રીપોર્ટ: ડિસેમ્બર અંત સુધીમાં સેન્સેકસનો ટારગેટ 68500: ચીન માટે નબળો સૂર
- Advertisement -
અમેરિકા-ચીન સહિતના વૈશ્વીક અર્થતંત્રોમાં સ્લોડાઉન વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થા લાંબાગાળાની તેજીની દોડમાં હોય તેમ મોર્ગન સ્ટેનલીએ ભારતીય અર્થતંત્રનું રેટીંગ વધાર્યુ છે. ચાર મહિનામાં બીજી વખત ભારતીય રેટીંગમાં વધારો કરાયો છે. બીજી તરફ એજન્સીએ ચીનનું રેટીંગ ઘટાડયુ છે.
આંતરરાષ્ટ્રીય એજન્સી મોર્ગન સ્ટેનલીએ રિપોર્ટમાં એમ જાહેર કર્યુ છે કે ભારતમાં આર્થિક તેજીનો લાંબાગાળાનો દોર હજુ તો શરૂ થયો છે અને આવતા વર્ષોમાં વધુ રફતાર પકડશે. મોર્ગન સ્ટેનલીએ ચાર મહિના પુર્વે જ ભારતનું રેટીંગ અંડરવેઈટથી ઘટાડીને ‘ઈકવલ’ (સમતોલ) કર્યુ હતું અને હવે તે વધુ વધારીને ઓવરવેઈટ કર્યુ છે. રિપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે ભારતના આર્થિક પાસાઓમાં ઘણા ફંડામેન્ટલ બદલાવ આવ્યા છે તે પાછળનું કારણ સ્ટ્રકચરલ રિફોર્મ તથા સપ્લાય સાઈડ રીફોર્મનું છે. કોર્પોરેટ ટેકસમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
ઉપરાંત ઉત્પાદન આધારીત સહાય સ્કીમોથી કાયદો છે. અર્થતંત્રમાં નિયમનો સહિતના ફેરફારો વિકાસને વેગ આપનારા છે. એજન્સી દ્વારા રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે વિકસતા અર્થતંત્ર વચ્ચે ચાલુ વર્ષના ડિસેમ્બરના અંતે ભારતીય શેરબજારનો સેન્સેકસ 68500 સુધી પહોંચી શકે છે. પ્રીમીયમને લક્ષ્યને લેતા મધ્યમગાળાના વિકાસનો ભરોસો જોરદાર છે. કોમોડીટીના ભાવોમાં તેજી, અમેરિકા પર આર્થિક મંદીનું જોખમ, રીઝર્વ બેંક દ્વારા વ્યાજવધારા પર બ્રેક મારવા જેવા ઘટનાક્રમોના આધારે સેન્સેકસનો આ ટારગેટ નકકી કરવામાં આવ્યો છે. મોર્ગન સ્ટેનલીએ ભારતીય ઔદ્યોગીક ક્ષેત્રને પણ અપગ્રેડ કરીને ઓવરવેઈટ કર્યું છે. ફાઈનાન્સીયલ તથા કન્ઝયુમર ક્ષેત્રને અગાઉ જ ઓવરવેઈટની શ્રેણીમાં મુકવામાં આવ્યા હતા.
- Advertisement -
લાર્સન-મારૂતી જેવા શેરોને ફોકસલીસ્ટમાં સ્થાન આપવામાં આવ્યુ છે. ભારતીય રેટીંગ અપગ્રેડ કરવાની સાથે મોર્ગન સ્ટેનલીએ ચીનને ઝટકો આપ્યો છે અને ચીનના શેરોનું રેટીંગ ઘટાડીને ‘ઈકવલ વેઈટ’ કર્યુ છે. ચીનમાં સરકારે જંગી રાહત પેકેજ જાહેર કર્યાને પગલે સર્જાયેલી તેજીનો લાભ લઈને ઈન્વેસ્ટરોએ મુડી પાછી ખેંચી લેવાનું વલણ અપનાવ્યુ હતું. ચીન સરકાર દ્વારા વિકાસને ઉતેજન આપવા તથા ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપતા પગલા લેવામાં આવ્યા હતા. જો કે, આ કામની અસર ટુંકાગાળાની રહેવાનો સૂર એજન્સીએ દર્શાવ્યો છે.